છ વર્ષના ટેણિયાના રાષ્ટ્રપ્રેમને સલામ

26 January, 2021 07:57 AM IST  |  Mumbai | Rohit Parikh

છ વર્ષના ટેણિયાના રાષ્ટ્રપ્રેમને સલામ

રિપેર કરેલા રાષ્ટ્રધ્વજો સાથે ઓમ નિખિલ શાહ

ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરમાં રહેતા છ વર્ષના એક બાળકે ગઈ ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઑગસ્ટે પોતે જે ગાર્ડનમાં રમવા જાય છે ત્યાં પડેલા ફાટી ગયેલા રાષ્ટ્રધ્વજને ભેગા કરીને રાખી મૂક્યા હતા. જોકે હવે એને રિપેર કરીને આજે તે આ જ રાષ્ટ્રધ્વજનું રિક્ષા-ડ્રાઇવરોમાં વિતરણ કરવાનો છે.

પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિને દેશભરમાં લોકો તેમનાં વાહનો અને તેમનાં કપડાં પર રાષ્ટ્રધ્વજ લગાડીને તેમની દેશપ્રેમની દાઝનાં દર્શન કરાવે છે. અનેક બાળકો ફેરિયાઓ અને દુકાનદારો પાસેથી રાષ્ટ્રધ્વજ ખરીદે છે. સાંજ પડતાં જ આ રાષ્ટ્રધ્વજ રોડ પર અને કચરાપેટીમાં પડેલા જોવા મળે છે. અનેક બિનસરકારી સંસ્થાઓ આવા ધ્વજોને જમા કરીને એને પગ નીચે કચડાતાં કે ગટરમાં જતાં બચાવી લે છે તેમ જ જનતાને રાષ્ટ્રધ્વજ રસ્તા પર ફેંકી ન દેવાનો સંદેશ આપે છે.

જોકે ઘાટકોપરના ઓમ શાહે રોડ પર કે ગાર્ડનમાં ફેંકી દીધેલા રાષ્ટ્રધ્વજોને જમા કર્યા બાદ એને રિપેર પણ કર્યા હતા. આ બાબતની માહિતી આપતાં ઓમના પિતા નિખિલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઓમે ગાર્ડનમાંથી ફાટી ગયેલા ૧૨થી ૧૫ રાષ્ટ્રધ્વજોને ગયા પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિને ભેગા કરીને તેના ખાનામાં મૂકી દીધા હતા. ગઈ કાલે તેણે આ બધા રાષ્ટ્રધ્વજોને બહાર કાઢી એને રિપેર કર્યા હતા.’

પોતાને આવો વિચાર આવ્યો ક્યાંથી એ સંદર્ભે ઓમ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હંમેશાં રાષ્ટ્રધ્વજને માન આપવાના મેસેજ ટેલિવિઝનના સમાચારમાં આપવામાં આવે છે. આ સમાચારમાં રસ્તા પરથી અમુક સંસ્થાઓના કાર્યકરોએ ફ્લૅગ જમા કર્યા હતા એવી જાણકારી મળતી હોય છે. મારાં મમ્મી-પપ્પા હંમેશાં રાષ્ટ્રધ્વજને માન આપવું જોઈએ એવી શિખામણ આપે છે. આના પરથી મને આ વિચાર આવ્યો હતો અને આજે મારા રિપેર કરેલા ફ્લૅગનું હું રિક્ષાવાળાઓમાં વિતરણ કરીશ.’

mumbai mumbai news republic day ghatkopar