ટૉઈલેટ પ્રચારક સલમાન ખાનને પોતાના ઘર સામે શૌચાલય બને એનો વાંધો

04 May, 2017 04:33 AM IST  | 

ટૉઈલેટ પ્રચારક સલમાન ખાનને પોતાના ઘર સામે શૌચાલય બને એનો વાંધો

જોકે જનતાને સ્વચ્છતાનું મહત્વ દર્શાર્વીને ટૉઇલેટ બાંધવાની સલાહ આપનારા સલમાને પોતાના ઘરની સામે બંધાઈ રહેલા ટૉઇલેટનો તીવ્ર વિરોધ કર્યો છે. સલમાનના પિતા સલીમ ખાન તેમ જ વરિષ્ઠ ઍક્ટ્રેસ વહીદા રહેમાને પણ તેમની ઓળખાણ વાપરીને આ ટૉઇલેટ હટાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

બાંદરામાં બૅન્ડ-સ્ટૅન્ડ ખાતે ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં ખાન કુટુંબનું ઘર છે. એની બાજુમાં જ BMC સાર્વજનિક ટૉઇલેટ બાંધવાની છે. આ વિસ્તારમાં સાર્વજનિક ટૉઇલેટ ન હોવાથી ત્યાંના રહેવાસીઓને ખૂબ મુશ્કેલી નડે છે અને અનેક લોકો ખુલ્લામાં લઘુશંકાના નિવારણ માટે જાય છે. આ બાબત ધ્યાનમાં આવતાં સલમાને આ ટૉઇલેટ બાંધવાની ભલામણ કરી હતી. મોબાઇલ ટૉઇલેટની માગણી કરતાં તેણે BMCને ભલામણ પણ કરી હતી. તેથી જ BMCએ તેની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે નિમણૂક કરી હતી.

હવે એ જ સલમાનને પોતાના ઘરની સામે ટૉઇલેટ બાંધવામાં આવે એનો વિરોધ છે. સલમાનના બિલ્ડિંગ અને વહીદા રહેમાનના ઘરની સામે આ ટૉઇલેટ બાંધવામાં આવવાનું હોવાથી સલમાને એનો વિરોધ કર્યો છે. ટૉઇલેટનું બાંધકામ બંધ કરવું એવી માગણી કરતો પત્ર સલીમ ખાન, વહીદા રહેમાન અને આ વિસ્તારના અન્ય રહેવાસીઓેએ BMC અને મેયર વિશ્વનાથ મહાડેશ્વરને લખ્યો હતો. આ પત્રની તરત નોંધ લઈને મેયર મહાડેશ્વરે અધિકારીઓને આ ટૉઇલેટ અન્યત્ર બાંધવાની સૂચના આપી હતી.

જોકે BJPએ આ ટૉઇલેટ હટાવવાનો વિરોધ દર્શાવ્યો છે અને એ જ સ્થળે ટૉઇલેટ બાંધવું જોઈએ એવું વલણ દર્શાવ્યું છે.