સાહેબના નિધનનો વિરહ, સાયરા બાનુ નાદુરસ્ત તબિયતને કારણે ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ

01 September, 2021 02:10 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સાયરા બાનુને છેલ્લા ત્રણ દિવસથી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમનું બ્લડ પ્રેશર સામાન્ય નથી, વળી ઓક્સિજન લેવલ પણ બહુ જ નીચુ જઈ રહ્યું છે જેને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

દિલીપ કુમાર અને સાયરા બાનુ

દિલીપ કુમાર સાથે પડછાંયાની જેમ રહેનાર સાયરા  બાનુ માટે હવે પોતાના સાહેબ વગર રહેવું મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં જાણકારી સામે આવી છે કે દિલીપ કુમારના નિધનથી સાયરા બાનુના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે. સાયરા  બાનુને છેલ્લા ત્રણ દિવસથી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમનું બ્લડ પ્રેશર સામાન્ય નથી, વળી ઓક્સિજન લેવલ પણ બહુ જ નીચુ જઈ રહ્યું છે જેને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આવી સ્થિતિમાં  તે છેલ્લા ત્રણ દિવસથી ICUમાં દાખલ છે. મળતી માહિતી અનુસાર હજી તેમને ત્રણ થી ચાર દિવસ હોસ્પિટલમાં રહેવું પડી શકે છે. 

પરિવારના નજીકના લોકોનું કહેવું છે કે તેમની તબિયતનું કારણ દિલીપ કુમારનું નિધન છે. દિલીપ સાહેબના ગયા પછી સાયરા બાનુ કોઈને મળતા નથી કે કંઈ બોલતા નથી. તેમની દુનિયા દિલીપ સાહેબ હતાં અને હવે તેઓ ત્યાં ન હોવાથી સાયરા  બાનુની તબિયત પર ખરાબ અસર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈએ દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું હતું. દિલીપ કુમારને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

સાયરા બાનુ તે પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની સુંદરતા અને અભિનય પ્રતિભાથી દરેકનું દિલ જીતવામાં સફળ રહી છે. તેમની શૈલીએ પ્રેક્ષકોને તેમના પ્રશંસક બનાવી દીધા છે. શાળાથી જ તેને અભિનયનો શોખ હતો અને તેણે ત્યાં અભિનય માટે ઘણા મેડલ મેળવ્યા હતા. સાયરા  બાનુ કહેતા હતાં કે 12 વર્ષની ઉંમરથી તે અલ્લાહને પ્રાર્થના કરતા હતાં કે અલ્લાહ તેમને તેના અમ્મી જેવી જ હિરોઈન બનાવે.

17 વર્ષની ઉંમરે સાયરા  બાનુએ બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 1961 માં શમ્મી કપૂરની ફિલ્મ `જંગલી` થી કરી હતી. તેણીએ આ ફિલ્મમાં પોતાની શૈલી એવી રીતે ફેલાવી કે તેની છબી રોમેન્ટિક હિરોઈન તરીકે બની ગઈ. આ ફિલ્મ માટે સાયરાને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટે પણ નામાંકિત કરવામાં આવ્યા હતાં. 12 વર્ષની ઉંમરથી સાયરા દિલીપ કુમારને ખૂબ પસંદ કરતા હતા. જ્યારે દિલીપ કુમારની સામે આ વાત આવી ત્યારે તેઓ 44 વર્ષના હતા અને સાયરા તે સમયે માત્ર 22 વર્ષના હતા. બે વખત પ્રેમમાં નિષ્ફળ ગયેલા દિલીપ કુમાર સાયરા  બાનુમાં કોઈ રસ દાખવતા નહતાં.

1966 માં દિલીપ કુમાર અને સાયરા બાનુએ પોતાનો પ્રેમ જાહેર કર્યો અને લગ્ન કરી લીધા. જો કે દેશ -વિદેશની ઘણી છોકરીઓ દિલીપ કુમાર પર મરતી હતી, પરંતુ તેઓએ સાયરા બાનુને પસંદ કર્યા. સાયરા અંત સુધી દિલીપ સાહેબ સાથે રહી હતી અને આજે જ્યારે તે ત્યાં નથી ત્યારે સાયરાને જીવન ઉજ્જડ લાગવા માંડ્યું છે.

mumbai mumbai news saira banu