કાર ઇમ્પોર્ટ કરવાના મામલે સૈફ અલી ખાને ભરવો પડશે ૯૦ લાખ રૂપિયા દંડ

10 September, 2012 06:00 AM IST  | 

કાર ઇમ્પોર્ટ કરવાના મામલે સૈફ અલી ખાને ભરવો પડશે ૯૦ લાખ રૂપિયા દંડ

શનિવારે એન્ર્ફોસમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) લગભગ ત્રણ કલાક સુધી સૈફની પૂછપરછ કરી હતી. સૈફે દાવો કર્યો હતો કે તેણે આ કાર ૨૦૦૪માં દુબઈમાં રહેતા મોહમ્મદ કોલંગરા નામના યુવક પાસેથી ખરીદી હતી. જોકે કોલંગરા બહુ નાનો માણસ છે. તેની પાસે કાર ખરીદવાની ત્રેવડ ન હોવાથી તેણે કારના પૈસા કેવી રીતે ચૂકવ્યા એની કસ્ટમ્સ વિભાગને શંકા હતી એટલે ઈડીનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘દુબઈથી ઇમ્પોર્ટ કરવામાં આવેલી કારની કિંમતના ૩૦ લાખ રૂપિયા હવાલા મારફત સૈફે ચૂકવ્યા હતા. જો સૈફે એ રૂપિયા ચેક-પેમેન્ટ તરીકે આપ્યા હોત તો તેણે દંડ ન ભરવો પડ્યો હોત.’

ટ્રાન્સફર ઑફ રેસિડન્સ રૂલ્સ અંતર્ગત ભારતીય મૂળની વ્યક્તિ બે વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતી હોય તો તે પોતાની વાપરવાની પર્સનલ ઍસેટ કોઈ પણ જાતની કસ્ટમ્સ-ડ્યુટી ભર્યા વિના ભારતમાં ઇમ્પોર્ટ કરી શકે છે એ અંતર્ગત સૈફે મોહમ્મદને કાર ખરીદવા પૈસા આપ્યા હતા અને પછી કાર ભારતમાં ઇમ્પોર્ટ કરવામાં આવી હતી. આ કેસમાં સૈફ સહિત હજી બે બૉલીવુડ-ઍક્ટર અને એક ઍક્ટ્રેસે પણ દંડ ભરવો પડી શકે છે એવું ઈડીએ કહ્યું હતું. સૈફનો સંપર્ક કરવામાં આવતાં તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં મારી વિરુદ્ધ ઘણા ન્યુઝ મિડિયામાં આવ્યા છે. એમાં તમારા માટે નવું શું છે? તમારા પ્રશ્નનો જવાબ આપવામાં મને રસ નથી.’