20 September, 2025 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા ૬૦ વર્ષની સફરની યશોગાથા દર્શાવતું સફરનામાના પ્રોગ્રામનું આયોજન દાદરના યોગી સભાગૃહમાં આજે શનિવારે ૪.૩૦ વાગ્યાથી કરવામાં આવ્યું છે.
ઈ. સ. ૧૯૬૫માં ડૉ. હેમરાજ ગડા, ડૉ. મનસુખ જૈન અને ડૉ. ગોપાલજી છાડવાએ એક મંડળની સ્થાપના કરી હતી અને એને નામ આપ્યું હતું વાગડ કલા કેન્દ્ર.
વિદ્યાર્થી સન્માન સમારંભના ઉદ્દેશથી સ્થપાયેલી આ સંસ્થા અત્યારે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. વિદ્યાર્થી સન્માન સમારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સામયિક ‘વાગડ સંદેશ’નું નિયમિત પ્રકાશન, મેડિકલ સર્જિકલ કૅમ્પ, મેડિકલ સહાય, રમત-ગમત, ક્રિકેટ, ક્રેડિટ સોસાયટી, મેડિક્લેમ યોજના, કૉર્નિયાગ્રાફ્ટિંગ કૅમ્પ, ની-રિપ્લેસમેન્ટ જેવાં અનેકાનેક સમાજોપયોગી આયોજનો હાથ ધરી શ્રી વાગડ કલા કેન્દ્ર વાગડ સમાજની સર્વમાન્ય સંસ્થા બની છે. સર્વ પ્રવૃત્તિઓ માટે ફન્ડ-ફાળા આપનાર દાતાઓનો પણ એમાં મોટો ફાળો છે.
સંસ્થાના ઉપપ્રમુખ દામજી બુરીચા અને મંત્રી મનોજ ફુરિયાએ જણાવ્યું હતું કે ‘આજના કાર્યક્રમ માટે સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી આ સફરનામા પ્રોગ્રામની જ ચર્ચા ચાલી રહી છે અને લાગે છે કે આજે ૪.૩૦ વાગ્યાથી શરૂ થનારા આ પ્રોગ્રામમાં સમાજની સર્વમાન્ય સંસ્થાનાં ૬૦ વર્ષની સફરની યશોગાથાને બિરદાવવા અને માણવા લોકો ઊમટી પડશે.’