વિદ્યાવિહારના રહેવાસીનો અનોખો સફાઈયજ્ઞ

24 October, 2012 07:57 AM IST  | 

વિદ્યાવિહારના રહેવાસીનો અનોખો સફાઈયજ્ઞ



વિપુલ વૈદ્ય

વિદ્યાવિહારના એક રહેવાસીએ પોતાના વિસ્તારમાં ફેલાયેલી ગંદકી દૂર કરવા માટે પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવા નવતર યોજના ઘડી કાઢી છે. પોતાના વિસ્તારમાં બેસતા તમામ ફેરિયાઓને તેણે કચરો નાખવા માટે સ્વખર્ચે‍ કચરાટોપલી આપી છે જેમાં તેઓ પોતાના ધંધા દરમ્યાન અને જતી વખતે બધો જ કચરો નાખી શકે.

પોતાના વિસ્તારની કચરાની સમસ્યા વિશે માહિતી આપતાં કમલેશ કપાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારું ઘર સ્ટેશનની નજીક જ છે. આ આખો વિસ્તાર ફેરિયાઓથી ખદબદતો હોય છે જેઓ બધા જ પ્રકારની ગૃહોપયોગી વસ્તુઓ વેચતા હોય છે. આ ફેરિયાઓની સૌથી ખરાબ બાબત એ હતી કે તેઓ બધો જ કચરો રસ્તા પર નાખી દેતા હતા. આને કારણે રાતે તો રસ્તા પર ચાલવાનું મુશ્કેલ બની જતું હતું. ચોમાસામાં કચરાને કારણે ગટરો પણ ચૉક થઈ જતી હતી અને પરિસ્થિતિ વણસતી હતી. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે ફેરિયાઓને કચરાટોપલી આપવાનું નક્કી કર્યું હતું. આ માટે મેં ફ્ વૉર્ડની ઑફિસમાં પણ પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ ન આપતાં આખરે ડિãગ્નટી ફાઉન્ડેશનની મદદથી ઑક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં ૧૦ ફેરિયાઓને કચરાટોપલીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેને માટે તેમને ૫૦૦ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.’

દરેક ફેરિયાને બધો જ કચરો તેને આપવામાં આવેલી ટોપલીમાં નાખવાનું જણાવવામાં આવ્યું હતું. છેલ્લે આ બધી જ કચરાટોપલીને સુધરાઈ દ્વારા મૂકવામાં આવેલી મોટી બે કચરાટોપલીમાં ખાલી કરવામાં આવે છે જેને સુધરાઈ દિવસમાં એક વખત સાફ કરે છે.

કમલેશ કપાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું રોજ જાતે જઈને ફેરિયાઓ સૂચનાનું પાલન કરે છે કે નહીં એ જોઉં છું અને મને એ વાતનો સંતોષ છે કે ફેરિયાઓ ખરેખર સૂચનાનું પાલન કરે છે અને રસ્તા પર સ્વચ્છતામાં ખાસ્સો વધારો જોવા મળે છે. હવે સુધરાઈએ આ રસ્તા પરથી પ્રેરણા લઈને બધા જ વિસ્તારમાં આ યોજના અમલમાં મૂકવી જોઈએ જેથી સ્વચ્છ મુંબઈનું સપનું પૂરું થઈ શકશે.’