રોડ અકસ્માતમાં સાધ્વીજી કાળધર્મ પામતા જૈન સમાજમાં આક્રંદ અને આક્રોશ

14 November, 2014 03:37 AM IST  | 

રોડ અકસ્માતમાં સાધ્વીજી કાળધર્મ પામતા જૈન સમાજમાં આક્રંદ અને આક્રોશ








મુંબઈ-અમદાવાદ હાઇવે નંબર-૮ પર મહાવીર ધામથી સાંજે નાકોડા ધામ જઈ રહેલાં સાગર સમુદાયનાં ત્રણ સાધ્વીજીમહારાજને ગઈ કાલે મુંબઈ તરફ જઈ રહેલા એક ઑઇલ-ટૅન્કરે અડફેટમાં લીધાં હતાં. તેઓમાંથી એક સાધ્વીજી કાળધર્મ પામ્યાં છે, એકને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં  આવ્યાં છે અને અન્ય એક સાધ્વીજી મામૂલી ઈજા પામ્યાં છે. ટૅન્કર-ડ્રાઇવર સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવી બેસતાં તેણે સાધ્વીજી સાથે આગળ જઈ રહેલી કારને ઉડાડી મૂકતાં એને ભારે નુકસાન થયું છે. જોકે કાર-ડ્રાઇવરને વધુ ઈજા નથી થઈ. આ સંપૂર્ણ ઘટનાને કારણે જૈન સમાજમાં દુ:ખની લાગણી પ્રસરી છે. જોકે અકસ્માત બાદ ટૅન્કર-ડ્રાઇવર ફરાર થઈ ગયો છે.

વિરાર (ઈસ્ટ)માં હાઇવે પર આવેલા મહાવીર ધામથી ગઈ કાલે સાંજે ૪ વાગ્યે વિહાર કરીને રસ્તાની એક તરફ પગપાળા નાકોડા ધામ જઈ રહેલાં ૩૮ વર્ષનાં સાધ્વીજી ભગવંત અર્પિતપૂર્ણાશ્રીજી, ૩૬ વર્ષનાં મંત્રનિધિ સાધ્વીજી અને ૩૪ વર્ષનાં સાધ્વીજી ભગવંત શ્રી પૂર્વસાગરનિધિશ્રીજી સાધ્વીજીને મુંબઈ તરફ આવી રહેલા એક ટૅન્કરના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટૅન્કરે સૌથી પહેલાં ચાલી રહેલાં સાધ્વીજી ભગવંત શ્રી પૂર્વસાગરનિધિશ્રીજીને અડફેટમાં લીધાં હતાં અને મંત્રનિધિસાધ્વીજીને ગંભીર રીતે જખમી કર્યા હતાં. ટૅન્કર ઊંધું વળી જતાં આગળ જઈ રહેલી કાર પણ ઊંધી વળી ગઈ હતી.

અકસ્માતમાં શ્રી પૂર્વસાગરનિધિશ્રીજી સાધ્વીજી ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યાં હોવાથી તેમને વિરારમાં સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવ્યાં હતાં, જ્યારે વસઈ (વેસ્ટ)માં પાર્વતી ટૉકીઝ પાસે આવેલી ગોલ્ડન પાર્ક હૉસ્પિટલમાં મંત્રનિધિ સાધ્વીજીને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે તથા સાધ્વીજી ભગવંત અર્પિતપૂર્ણાશ્રી સાધ્વીજીને મામૂલી ઈજા થઈ હતી, પણ તેઓ અચાનક બનેલી ઘટનાને કારણે ભારે આઘાત પામ્યાં છે.

જૈનોમાં ભારે સંતાપ

આ ઘટનાને કારણે જૈન સમાજમાં ભારે સંતાપ પ્રસર્યો છે. હૉસ્પિટલમાં ઉપસ્થિત અમુક લોકો સાથે ‘મિડ-ડે’એ વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘આ ઘટના જૈન સમાજ માટે ખૂબ જ દુખદાયક છે. શાસન પાસે વિહાર કરતાં મહારાજસાહેબ-સાધ્વીજીઓની સુરક્ષા માટે ઘણી વાર માગણી કરી હોવા છતાં એ માટે યોગ્ય ધ્યાન અપાતું ન હોવાથી અમારા ગુરુભંગવતો આ રીતે જીવ ગુમાવે છે. આ ઘટના બાદ હવે તો જૈન સમાજ ભેગો થઈને મહારાજસાહેબની સુરક્ષા માટે કંઈક કરીને જ જંપશે. અમે નવા બનેલા ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને સુરક્ષા વિશે માગણી કરીશું.’

પોલીસ શું કહે છે?

ઘટનાસ્થળે પહોંચેલા વિરાર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર માનેએ ‘મિડ-ડેને કહ્યું હતું કે ‘ઑઇલ-ટૅન્કર મુંબઈ તરફ આવતું હતું અને એ જ રસ્તાની સામેની બાજુએથી સાધુભગવંતો અમદાવાદ તરફ જઈ રહ્યાં હતાં. અકસ્માત બાદ ડ્રાઇવર નાસી ગયો છે અને અમે તેને શોધી રહ્યા છીએ.’