વઝેના સહયોગી ઑફિસરને ૧૬ એપ્રિલ સુધીની કસ્ટડી

12 April, 2021 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનઆઇએએ રિયાઝુદ્દીન કાઝીની પુરાવા નષ્ટ કરવાના આરોપસર ધરપકડ કરી

સચિન વઝે, રિયાઝુદ્દીન કાઝી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એઍલિયાની નજીક વિસ્ફોટક ભરેલી કામ પાર્ક કરવાના મામલાની તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ સચિન વઝેના નજીકના પોલીસ અધિકારી રિયાઝુદ્દીન કાઝીની શનિવારે મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે ધરપકડ કરી હતી. રિયાઝુદ્દીન મનસુખ હિરણની હત્યાકેસનો સૂત્રધાર હોવાથી તેની પૂછપરછ માટે કસ્ટડી મેળવવાનું જરૂરી હોવાની માગણી કરતાં એનઆઇએ કોર્ટે ૧૬ એપ્રિલ સુધીની કસ્ટડીનો આદેશ આપ્યો હતો.

આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તપાસ એજન્સીએ કહ્યું હતું કે ૮ માર્ચે આ કેસની તપાસ એનઆઇએને સોંપાયા બાદ તેણે પુરાવા નષ્ટ કર્યા હોવાનું કબૂલ્યું હતું. આમ કરતી વખતે ઑફિસર રિયાઝુદ્દીન કાઝી ઘટનાસ્થળે હાજર હતો.  તેમણે કમ્પ્યુટરના સીપીયુ અને ડીવીઆરને ખાડીમાં ફેંકી દીધાં હતાં.

આ કેસમાં પહેલાં ધરપકડ કરાયેલા સચિન વઝે અને રિયાઝુદ્દીન કાઝી શોધી કઢાયેલા સીસીટીવી ફુટેજમાં સાથે જોવા મળ્યા છે. સચિન વઝે પૂછપરછમાં પૂરતો સહયોગ નથી આપી રહ્યો એટલે તેના સહયોગી રિયાઝુદ્દીન કાઝી પાસેથી વધુ માહિતી મેળવવા માટે કસ્ટડી મેળવવાનું જરૂરી હોવાનું એનઆઇએના વકીલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં દલીલ કરી હતી કે આ કેસ માત્ર જિલેટિન સ્ટિક અથવા મનસુખ હિરણની હત્યા સુધી સીમિત નથી. આ કામ માટે રૂપિયા કોણે આપ્યા, જિલેટિન સ્ટિક ક્યાંથી મેળવાઈ વગેરેની માહિતી મેળવવી જરૂરી છે. આ દલીલ સાંભળીને કોર્ટે રિયાઝુદ્દીન કાઝીને ૧૬ એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

mumbai mumbai news