‘અરિહાને ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક વાતાવરણમાં રહેવાનો અધિકાર છે જ’

06 December, 2022 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરે પહેલી વખત જર્મનીમાં ફસાયેલી જૈન દીકરી બાબતે પ્રતિભાવ આપ્યો

ભારતીય મૂળની અરિહા શાહ તેનાં માતા-પિતા સાથે

ભારતીય મૂળની જૈન દીકરી અરિહા ભાવેશ શાહને તેના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણની નજીક રહેવાનો અધિકાર છે એવો પ્રતિભાવ ભારતના વિદેશપ્રધાન ડૉ. અેસ. જયશંકરે એક વર્ષ પછી દિલ્હીમાં ગઈ કાલે પહેલી વાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે જર્મનીના સત્તાવાળાઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરીને આગળ વધી રહ્યા છીએ. ગઈ કાલે ભારતની મુલાકાતે આવેલા જર્મનના વિદેશપ્રધાન અનાલેના બેરબોક સામે અંગત રીતે આ મુદ્દો ઉઠાવ્યો છે. આ પ્રતિભાવથી અરિહાનાં માતા-પિતા અને જૈન સમાજનો વિશ્વાસ અડગ બન્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પુત્રીને ભારત પાછી લાવવામાં પૂરતી સહાય કરશે. જોકે જર્મનીના વિદેશપ્રધાન અનાલેના બેરબોકે કહ્યું હતું કે બન્ને સરકાર આ મુદ્દે ગંભીર પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યાં સુધી કોર્ટનો ચુકાદો આવે નહીં ત્યાં સુધી આ મામલા પર કોઈ કમેન્ટ કરી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે જર્મનીમાં અરિહાને તેનાં માતા-પિતાથી દૂર થયાને એક વર્ષ થઈ ગયું છે. જ્યારે તે માત્ર સાત મહિનાની હતી ત્યારે જર્મન સુરક્ષા સેવાઓએ બાળકીને તેનાં માતાપિતા પાસેથી દૂર લઈ લીધી હતી અને હવે માતાપિતા વિનંતી કરી રહ્યાં છે કે તેમનું બાળક તેમને પરત કરવામાં આવે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની અરિહાને ભારતીય સંસ્કૃતિમાં પાછી લાવવામાં મદદ કરવાની વિનંતી પણ કરી હતી.

mumbai mumbai news germany