રૂપાલી ચાકણકરની બહેનનો ચોખ્ખો નનૈયો

14 April, 2026 08:04 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

કહ્યું કે ક્રેડિટ સોસાયટીમાં અશોક ખરાત સંબંધિત ખાતાં નકલી છે, મેં આ ખાતાં ખોલાવ્યાં નથી

પ્રતિભા ચાકણકર

નાશિકના ભોંદુબાબા અશોક ખરાતના કેસમાં રાજ્ય મહિલા આયોગનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકરની બહેન પ્રતિભા ચાકણકરની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રતિભા ચાકણકર સોમવારે શિર્ડી પોલીસ-સ્ટેશનમાં હાજર થયાં હતાં. સમતા કો-ઑપરેટિવ ક્રેડિટ સોસાયટીના કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોના સંદર્ભમાં પોલીસે તેમને નોટિસ ફટકારી હતી.

સમતા કો-ઑપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં પ્રતિભા ચાકણકર અને તેમના પરિવારના નામે ૪ ખાતાં છે. પ્રતિભા ચાકણકરના નામે બે અને તેમના પુત્રના નામે બે ખાતાં છે, જેમાંથી બે કરોડ ૪૦ લાખ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ થયાં છે. અશોક ખરાત પ્રતિભા ચાકણકરના સંબંધિત ખાતાના નૉમિની છે.

પૂછપરછ પછી પ્રતિભા ચાકણકરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ‘સંબંધિત ખાતાં નકલી છે. મેં આ ખાતાં ખોલાવ્યાં નથી અને એના પરની સહીઓ પણ મારી નથી. અમે એક પણ રૂપિયાનો વ્યવહાર કર્યો નથી.’ 

પ્રતિભા ચાકણકરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે અશોક ખરાતે દેવદર્શનના નામે દસ્તાવેજો લીધા હશે અને વૉટ્સઍપ પર મોકલેલા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખાતાં ખોલાવ્યાં હશે.

ખાતાં નકલી છે એવો વકીલનો દાવો

પ્રતિભા ચાકણકરનાં વકીલ જયશ્રી કાળે-પાલ્વેએ જણાવ્યું હતું કે ‘સમતા પતસંસ્થામાં પ્રતિભા ચાકણકર અને તેમના પુત્રના નામે નકલી ખાતાં ખોલવામાં આવ્યાં છે. તેઓ ક્યારેય એ ક્રેડિટ સંસ્થામાં ગયાં નહોતાં. ખાતું ખોલાવતી વખતે ખોટા સરનામાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસને સહીઓના નમૂના આપવામાં આવ્યા છે અને આગળની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.’

અશોક ખરાત સામે મની-લૉન્ડરિંગ કેસમાં EDના દરોડા

નાશિકમાં પાંચ અને પુણે તથા શિર્ડીમાં ત્રણ-ત્રણ જગ્યાએ રેઇડ પાડવામાં આવી

સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાત અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે મની-લૉન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ સોમવારે મહારાષ્ટ્રનાં અનેક શહેરોમાં રેઇડ પાડી હતી. અશોક ખરાતના વતન નાશિકમાં પાંચ અને પુણે તથા શિર્ડીમાં ત્રણ-ત્રણ જગ્યાએ રેઇડ પાડવામાં આવી હતી. અશોક ખરાતના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) પ્રકાશ પોફળે, અશોક ખરાતના સંબંધીઓ અને સહકારી ક્રેડિટ સોસાયટીઓની કેટલીક શાખાઓ સાથે જોડાયેલી રેસિડેન્શિયલ અને કમર્શિયલ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે એમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news mumbai ashok kharat case maharashtra government maharashtra news maharashtra nashik