હેલ્પલેસ હેલ્પલાઇન

17 December, 2012 04:55 AM IST  | 

હેલ્પલેસ હેલ્પલાઇન



૧૪ ડિસેમ્બરે મુંબઈગરાઓને રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તથા આરટીઓ દ્વારા હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૨-૦૧૧૦ ઉપર ૧૬ ડિસેમ્બરથી જો કોઈ રિક્ષા અથવા ટૅક્સી અપડેટેડ ઇલેક્ટ્રૉનિક (ઈ) મીટર વગરની નજર પડે તો ફોન કરવા જણાવ્યું હતું. જોકે મોબાઇલ ફોન પરથી નંબર ગુમાવવામાં આવતાં એ લાગતો નહોતો.

લાઇન ખોટકાઈ

ગયા અઠવાડિયે જ રિક્ષા તથા ટૅક્સીના રીકૅલિબ્રેશન મામલે થયેલા વિલંબ માટે બૉમ્બે હાઈ ર્કોટે સરકારની ઝાટકણી કાઢી હતી. પરિણામે ૧૫  ડિસેમ્બરની ડેડલાઇન છતાં પણ મીટર રીકૅલિબ્રેટ ન કરનારા ડ્રાઇવરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે આ હેલ્પલાઇનની જાહેરાત કરી છે. જો કોઈ રિક્ષા અથવા ટૅક્સી-ડ્રાઇવરે મીટર રીકૅલિબ્રેટ ન કરાવ્યું હોય તો તેના પ્લેટ-નંબરની ફરિયાદ ટોલ-ફ્રી નંબર પર કરવા જણાવવામાં આવ્યું હતું.

આરટીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે ઘણી વાર ટોલ-ફ્રી નંબરના વધુપડતા ઉપયોગને કારણે આમ બને છે અને આ નંબરનો ઉપયોગ રિક્ષા તથા ટૅક્સી-ડ્રાઇવરોની મીટર સાથેની છેડછાડ, ખરાબ વર્તન જેવી ફરિયાદો માટે પણ કરી શકાય છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે રિક્ષાના ઈ-મીટરમાં મિનિમમ ભાડું ૧૨ રૂપિયાની જગ્યાએ ૧૫ રૂપિયા અને ટૅક્સીનું ભાડું ૧૭ રૂપિયાની જગ્યાએ ૧૯ રૂપિયા હોવું જોઈએ.

દંડાત્મક કાર્યવાહી

અંધેરી, તાડદેવ તથા વડાલા આરટીઓ દ્વારા આ માટે સ્પેશ્યલ સ્ક્વૉડ પણ બનાવવામાં આવી છે. રવિવારે તમામ આરટીઓ દ્વારા રિક્ષા તથા ટૅક્સી-ડ્રાઇવરો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આજથી રીકૅલિબ્રેટ કર્યા વગરની રિક્ષા તેમ જ ટૅક્સી-ડ્રાઇવરોને ૭૦૦ રૂપિયા દંડ કરવામાં આવશે તેમ જ સાત દિવસ માટે લાઇસન્સ પણ રદ કરવામાં આવશે. મુંબઈ શહેરના માર્ગો પર ૧.૫૦ લાખ રિક્ષામાંથી ૮૩,૦૦૦ રિક્ષાઓએ મીટર રીકૅલિબ્રેટ નથી કરાવ્યાં. એમાંથી ૧૩,૦૦૦ ઈ-મીટર તો અન્ય ૭૦,૦૦૦ મેકૅનિકલ મીટર છે. ૨૦ ડિસેમ્બર સુધીમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને સ્ટેટસ રિપોર્ટ આપવા માટે હાઈ ર્કોટે જણાવ્યું છે.