આરઆરટી રોડ પર ફેરિયાઓનો ત્રાસ

03 October, 2012 07:54 AM IST  | 

આરઆરટી રોડ પર ફેરિયાઓનો ત્રાસ



મુલુંડ-વેસ્ટમાં આવેલા આરઆરટી રોડ પર ફેરિયાઓના વર્ચસ્વથી લોકોને ખૂબ જ ત્રાસ થાય છે. લોકોને ચાલવામાં તેમ જ વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ થાય છે અને ટ્રાફિક સર્જાય છે. મુલુંડમાં સૌથી વધુ ફેરિયાઓ આ રોડ પર બેસતા હોવાથી હંમેશાં આ રોડ જૅમ રહે છે.

આરઆરટી રોડ પર બેસતા શાકભાજી વેચનારા ફેરિયા સાથે વાત કરતાં તેણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું અહીં છેલ્લાં ૫-૬ વર્ષથી શાકભાજી વેચવાનો ધંધો કરું છું. અમને અહીં બેસવાની ના પાડવામાં આવે છે, પરંતુ આ જ અમારી રોજીરોટી હોવાથી અમે અહીંથી ક્યાંય જઈ શકીએ એમ નથી અને જો અમે અહીંથી ઊઠી જઈશું તો પબ્લિક શાકભાજી લેવા ક્યાં જશે?’

આરઆરટી રોડ પર આવેલી ઓમ લગેજ શૉપના માલિકે નામ ન આપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારી દુકાન આરઆરટી રોડ પર આવેલી છે. મારી દુકાનની બહાર જ ફેરિયાઓ બેસે છે અને એનાથી લોકોને આવવા-જવામાં તકલીફ થાય છે એ વાત સાચી છે, પણ અહીં અમુક ફેરિયાઓ લાઇસન્સ વગર બેસી ગયા હોવાથી ફેરિયાઓની સંખ્યામાં વધારો થયો છે અને એટલે જ લોકોને આ હાલાકી ભોગવવી પડે છે. તેથી આનો સરળ ઉપાય એ છે કે લાઇસન્સ વગરના ફેરિયાઓને હટાવવા જોઈએ જેથી ટ્રાફિક ઓછો થાય અને લોકોની તકલીફ દૂર થાય.’

આરઆરટી રોડ પરથી પસાર થઈ રહેલાં ૪૫ વર્ષનાં વૃંદા શાહ સાથે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં બેસેલા ફેરિયાઓથી રોડ પર ચાલવામાં ખૂબ જ તકલીફ થાય છે. ઉપરથી આ રોડ સ્ટેશન રોડને જોડે છે. તેથી ખાસ કરીને લોકો આ રોડનો ઉપયોગ કરે છે. અહીંથી પસાર થતી ગર્ભવતી મહિલાઓ, સિનિયર સિટિઝનો, બાળકો વગેરેને ખૂબ તકલીફ ભોગવવી પડે છે.’

આરઆરટી રોડ =  રામ રતન ત્રિવેદી રોડ