ફરિયાદ કરી તો વિધાનસભ્યના કાર્યકર્તાઓ દ્વારા થઈ મારપીટ

19 October, 2012 08:52 AM IST  | 

ફરિયાદ કરી તો વિધાનસભ્યના કાર્યકર્તાઓ દ્વારા થઈ મારપીટ



વિલે પાર્લેના વિધાનસભ્ય ક્રિષ્ના હેગડેના વર્કરે સોમવારે ૧૫ ઑક્ટોબરે તેમની જ ઑફિસમાં વિલે પાર્લેમાં રહેતા સંજય કોડે નામના યુવક પર હુમલો કર્યો હતો. જેમાં સંજય કોડેને ગળામાં ઈજા થઈ હતી અને તેણે ક્રિષ્ના હેગડેના વર્કર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

વિલે પાર્લેમાં રહેતા સંજય કોડેએ આરોપ મૂકતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભ્ય ક્રિષ્ના હેગડેની ઑફિસથી મને તેમને મળવા માટેના ફોન આવી રહ્યા હતા. સોમવારે ફરી તેમણે મને ફોન કર્યો હતો અને સવારે ૧૧ વાગ્યે હું પહોંચ્યો હતો ત્યારે તેમણે એક ડેરીના ગેરકાયદે રીતે બાંધવામાં આવેલા બાંધકામ માટે મેં કરેલી ફરિયાદ પાછી લેવા માટે બોલાવ્યો હતો, પરંતુ બાંધકામ ગેરકાયદે હોવાથી મેં જ્યારે ફરિયાદ પાછી લેવાનો ઇનકાર કર્યો ત્યારે ક્રિષ્ના હેગડે તેમની સીટ પરથી ઊભા થઈ ગયા હતા, પરંતુ તેમના કાર્યકરોએ તેમને રોક્યા હતા અને કાર્યકરોએ મારા પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેઓ મારી વિરુદ્ધ પણ આરોપ મૂકશે એવી ધમકી પણ આપી હતી.’

વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના ઇબ-ઈન્સ્પેક્ટર નિવાસ વિધાતેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે ધમકી આપી અને મારપીટ કરવાની ફરિયાદ નોંધી છે. અમે સંજય કોડેએ મૂકેલા આરોપ પર વધુ તપાસ કરી રહ્યા છે. સંજય કોડે ભૂતકાળમાં ડેરીના ઓનર સાથે વિવાદમાં સંકળાયેલો હતો.’

વિધાનસભ્ય ક્રિષ્ના હેગડેએ બધા ચાર્જિસ નકારી કાઢ્યા હતા અને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું સંજય કોડેને ઓળખતો જ નથી. સંજય કોડે વિરુદ્ધ શહેરનાં ઘણાં પોલીસ-સ્ટેશનમાં તેના અનેક કેસો નોંધાયેલા છે અને એમાંથી એક સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ગેરકાયદે ખંડણી માટેનો છે. મેં તેને ક્યારેય મારી ઑફિસમાં બોલાવ્યો નથી અને સોમવારે એ મારી ઑફિસમાં પણ આવ્યો નથી. મારા પર લગાવવામાં આવેલા બધા આરોપો જૂઠા અને આધાર વગરના છે. સંજય આ બધું ફક્ત પોતાની પબ્લિસિટી માટે કરી રહ્યો છે.’