અંજલિ દમણિયા હવે નીતિન ગડકરી વિરુદ્ધ પુરાવા આપશે

29 September, 2012 06:30 AM IST  | 

અંજલિ દમણિયા હવે નીતિન ગડકરી વિરુદ્ધ પુરાવા આપશે

આ ઉપરાંત અંજલિ હવે નીતિન ગડકરીની સંડોવણી હોય એવાં ભ્રષ્ટાચારી કૌભાંડોની વિગતો આપશે. અંજલિ દમણિયાએ કહ્યું હતું કે ‘મને નીતિન ગડકરીએ મોકલેલી બદનક્ષીનો દાવો કરતી નોટિસ મળી છે. એમાં મને જાહેરમાં માફી માગવાનું કહેવામાં આવ્યું છે. જોકે હું માફી નથી માગવાની, કારણ કે મેં જે કહ્યું છે એ સાચું છે. ચાર દિવસમાં હું ગડકરીની સંડોવણી હોય એવાં કૌભાંડોની વિગતો જાહેર કરીને તેમની સામેના પુરાવાઓ રજૂ કરીશ.’

 અંજલિ દમણિયાએ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીને રાજ્યના સિંચાઈ-કૌભાંડની જાણ હોવા છતાં એ બાબતે કોઈ મદદ કરવાનો ઇનકાર કયોર્ હોવાનો આક્ષેપ કર્યો છે અને કહ્યું હતું કે ગડકરી આ સ્કૅમ બહાર આવે એવું ઇચ્છતા નહોતા. જોકે ગડકરીએ આ આક્ષેપને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે આ બધાની પાછળ કૉન્ગ્રેસનો હાથ છે. ગડકરીએ અંજલિના આક્ષેપોને ફગાવી દીધા હતા અને આ બાબતે ગઈ કાલે લીગલ નોટિસ મોકલીને જાહેરમાં માફી માગવા કહ્યું હતું. ગડકરીના વકીલ શમશેરી ઍન્ડ અસોસિએટ્સે આ નોટિસ મોકલી છે જેમાં કહ્યું છે કે ખોટા, પાયાવિહોણા અને બદનામી કરતા આક્ષેપો કરવા બદલ અંજલિ દમણિયા જાહેરમાં માફી માગે અને જો એમ કરવામાં તે નિષ્ફળ જશે તો તેની સામે લીગલ ઍક્શન લેવામાં આવશે.