થાણેમાં ૪૭.૩૨ કરોડ રૂપિયાના GSTનો ફ્રૉડ કરનાર પકડાયો

22 August, 2025 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯ ઑગસ્ટે વિવેક મૌર્યની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડી ફટકારી હતી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)​ના ક્રેડિટ ફ્રૉડ સંદર્ભે થાણેમાંથી મેસર્સ KSM એન્ટરપ્રાઇઝિસના વિવેક રાજેશ મૌર્યની ધરપકડ કરવામાં આવી છે. થાણેના GST કમિશનરેટ દ્વારા આ બાબતે માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે ‘અમારા GST ડિપાર્ટમેન્ટનાં ઇન્ટર્નલ ઇન્ટેલિજન્સ અને ઍડ્વાન્સ ડેટા ઍનૅલિસિસ ટૂલ્સ દ્વારા જાણવા મળ્યું હતું કે વિવેક મૌર્ય દ્વારા ચલાવવામાં આવતી મેસર્સ KSM એન્ટરપ્રાઇઝિસ દ્વારા છેતરપિંડી કરીને ૪૭.૩૨ કરોડ રૂપિયાની ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો લાભ મેળવવામાં આવ્યો હતો. તપાસમાં જણાઈ આવ્યું હતું કે એ લાભ મેળવવા માટે તેણે કોઈ પણ સામાન કે માલની ઍક્ચ્યુઅલ સપ્લાય કરી જ નહોતી અને માત્ર પેપર પર જ એ માલની લેતીદેતી દર્શાવી હતી.

GSTની સિસ્ટમ અંતર્ગત ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (ITC) આપવામાં આવતી હોય છે. એ અંતર્ગત બિઝનેસમૅને ખરીદી કરતી વખતે જે GST ચૂકવ્યો હોય એ માલ વેચતી વખતે ખરીદદાર પાસેથી વસૂલ કરે અને આમ ડબલ ટૅક્સેશન ન થાય. GST ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ વિશેની માહિતી પાકી થતાં વિવેક મૌર્યના ઘરે તેમણે સર્ચ-ઑપરેશન કર્યું હતું અને એમાં બૅન્કોની પાસબુક, ચેકબુક અને અન્ય ઘણાબધા દસ્તાવેજો જપ્ત કર્યા હતા જે ઘણીબધી ફેક ફર્મના હતા. ૧૯ ઑગસ્ટે વિવેક મૌર્યની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડી ફટકારી હતી. GST ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ કેસમાં હજી અન્ય લોકોની સંડોવણી હોવાનું બહાર આવી શકે છે.

crime news goods and services tax mumbai crime news thane thane crime news mumbai police mumbai mumbai news cyber crime