બોરીવલીમાંથી ચોરાયેલા ૧૩ કરોડ રૂપિયાના સોનાના કેસમાં MHB પોલીસ બાપ-દીકરા સહિત ત્રણ લોકોને રાજકોટથી પકડી લાવી

25 June, 2025 12:07 PM IST  |  Mumbai | Samiullah Khan

તેના બે કર્મચારીઓ જિજ્ઞેશ કુચડિયા અને અજય ઘાગડા અલગ-અલગ જગ્યાએથી આ રીતે સોનું કલેક્ટ કરીને ૨૦ જૂને બોરીવલી આવ્યા હતા.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બોરીવલીમાંથી પ્રૉપર પ્લાનિંગ કરીને ગયા શુક્રવારે કરાયેલી ૧૩ કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરીના કેસની ઝડપી તપાસ કરીને MHB પોલીસે ૧૯ વર્ષના જિજ્ઞેશ કુચડિયા, તેના પિતા નાથાભાઈ કુચડિયા અને ફ્રેન્ડ યશ જીવાભાઈને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ચોરાયેલા દાગીનામાંથી કેટલાક દાગીના પાછા મેળવ્યા હતા. બાકીના દાગીના મેળવવાની કોશિશ પણ ચાલુ છે.

MHB પોલીસે જણાવ્યું હતું કે ‘રાજકોટમાં ચેતન સોની જે. પી. ગોલ્ડ નામની કંપની ધરાવે છે જે સોનાના દાગીના બનાવીને જ્વેલર્સને બાર્ટર સિસ્ટમમાં આપે છે. જ્વેલર્સને દાગીના આપીને તેમની પાસેથી સામે સોનું લે છે. તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ઘણા જ્વેલર્સ સાથે આ રીતનો ધંધો કરે છે. તેના બે કર્મચારીઓ જિજ્ઞેશ કુચડિયા અને અજય ઘાગડા અલગ-અલગ જગ્યાએથી આ રીતે સોનું કલેક્ટ કરીને ૨૦ જૂને બોરીવલી આવ્યા હતા. તેઓ બોરીવલી-વેસ્ટમાં આવેલી રાજમધુર સોસાયટીમાં કંપનીના જ ફ્લૅટમાં રહ્યા હતા. ૨૦ જૂને બપોરે અજય વૉશરૂમ ગયો ત્યારે જિજ્ઞેશ તક જોઈને તેમણે કલેક્ટ કરેલા ૧૩ કરોડ રૂપિયાના સોના અને સોનાના દાગીના સાથે નાસી ગયો હતો. તરત જ અજય ઘાગડાએ આ વિશે તેના શેઠ ચેતન સોનીને જોણ કરી હતી અને પછી MHB પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

MHB પોલીસે ત્યાર બાદ તપાસ ચાલુ કરી હતી. એમાં જણાઈ આવ્યું હતું કે જિજ્ઞેશ તેના પિતા નાથાભાઈ કુચડિયા સાથે સંપર્કમાં હતો અને તેમની વચ્ચે ઘણીબધી વાર ફોન પર વાતચીત થઈ હતી. એથી એ કડીને નજર સામે રાખીને એ દિશામાં તપાસ ચાલુ કરવામાં આવી અને આખરે બાવીસમી જૂને જિજ્ઞેશ અને યશને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યા હતા. એ પછી સોમવારે જિજ્ઞેશના પિતા નાથાભાઈને ઝડપી લેવાયા હતા. MHB પોલીસે કહ્યું હતું કે ‘ચોરીનો આખો પ્લાન નાથાભાઈએ જ બનાવ્યો હતો. જેવો જિજ્ઞેશ દાગીના અને સોનું ચોરીને ભાગ્યો એવો તેને તેમણે પિક-અપ કરી લીધો હતો અને તેઓ બાય રોડ ગુજરાત નાસી ગયા હતા. નાથાભાઈ સાથે યશ પણ હતો. તપાસમાં જણાઈ આવ્યું છે કે ‌નાથાભાઈ કુચડિયા સામે આ પહેલાં પણ ચીટિંગ અને ચોરીના ઘણાબધા કેસ ગુજરાતમાં નોંધાયા છે. નાથાભાઈ પાસેથી ચોરીના માલની કેટલીક મતા મળી આવી હતી. બાકીની મતા પાછી મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.’

borivali news crime news mumbai crime news mumbai police rajkot mumbai mumbai news