પ્રજ્ઞાચક્ષુ યુવાન માટે નવા વર્ષનો પહેલો દિવસ બન્યો અપશુકનિયાળ

09 January, 2023 12:55 PM IST  |  Mumbai | Shirish Vaktania

ટ્રેનમાં મહિલા ચોર તેના દસ હજાર રૂપિયા અને ડેબિટ કાર્ડ‍્સ લઈને થઈ ગઈ ફરાર : મરીન લાઇન્સ સ્ટેશનના સીસીટીવી કૅમેરાના ફુટેજમાં આ મહિલા આરોપી જોવા મળી

ચિરાગ ભૂપતરાવ દોશી

ચર્ચગેટ અને મરીન લાઇન્સ રેલવે સ્ટેશન વચ્ચેની ટ્રેનના દિવ્યાંગ કમ્પાર્ટમેન્ટમાં પહેલી જાન્યુઆરીએ એક મહિલા ચોરે ૩૦ વર્ષના પ્રજ્ઞાચક્ષુ યુવાનને નિશાન બનાવ્યો હતો. આ બનાવની વિગત અનુસાર ફરિયાદી ચિરાગ ભૂપતરાવ દોશી સ્ટૅટિસ્ટિશ્યન છે અને કાંદિવલીમાં રહે છે. તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જન્મથી જ હું ૨૫ ટકા દૃષ્ટિ ધરાવું છું. રાતે અને અંધારામાં મને કશું દેખાતું નથી. પહેલી જાન્યુઆરીએ રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ મેં ચર્ચગેટ સ્ટેશનથી ટ્રેન પકડી હતી. ૪૫ વર્ષની એક મહિલા પણ દિવ્યાંગોના કમ્પાર્ટમેન્ટમાં દાખલ થઈ અને મારી બાજુમાં બેઠી. ટ્રેન ચાલવા માંડતાં તે મહિલાએ મારી બાજુમાં પડેલી મારી બૅગ આંચકી લીધી. એ પછી તેણે બૅગમાંથી મારું વૉલેટ કાઢી નાખ્યું. મેં એ લેવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મચક ન આપી. મરીન લાઇન્સ સ્ટેશન પર ટ્રેન ઊભી રહી એ સાથે મહિલા તરત જ ઊતરીને નાસી ગઈ. મેં મદદ માટે બૂમો પાડી, પણ કોઈ ન આવ્યું. મેં તેનો પીછો કરવાની કોશિશ કરી, પણ સ્ટેશનની બહાર અંધારું હોવાથી મને કશું ન દેખાયું. મારા વૉલેટમાં ૧૦,૦૦૦ રૂપિયા રોકડા, ડેબિટ કાર્ડ્સ અને મહત્ત્વના કૉન્ટૅક્ટ નંબર્સ હતા.’

એ પછી ચિરાગ સ્ટેશન માસ્ટર પાસે ગયો, પણ તેને ચર્ચગેટ સ્ટેશન જવા જણાવાયું હતું. ત્યાં પોલીસે નવા વર્ષના પ્રારંભમાં તેઓ વ્યસ્ત હોવાથી બીજા દિવસે આવવા જણાવ્યું હતું. આથી ચિરાગે બીજી જાન્યુઆરીએ ચર્ચગેટ રેલવે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે આઇપીસીની કલમ ૩૭૯ (ચોરી) હેઠળ એફઆઇઆર દાખલ કર્યો છે. મરીન લાઇન્સ સ્ટેશનના સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં તે મહિલા જોવા મળી છે. અમે ટૂંક સમયમાં તેને પકડી લઈશું.’

1
જાન્યુઆરીની આ તારીખે બનાવ બન્યો હતો

mumbai mumbai news Crime News mumbai crime news western railway churchgate marine lines shirish vaktania