ચૂંટણી લડવી હતી અને વિધાનસભ્ય બનવું હતું તો ઇલેક્શન પછી રેપ કરવો જોઈએને? આર. આર. પાટીલ

12 October, 2014 04:41 AM IST  | 

ચૂંટણી લડવી હતી અને વિધાનસભ્ય બનવું હતું તો ઇલેક્શન પછી રેપ કરવો જોઈએને? આર. આર. પાટીલ




આબા તરીકે જાણીતા NCPના સિનિયર નેતા આર. આર. પાટીલ ક્યારેક ઉટપટાંગ વિધાનો કરીને જાતે જ વિવાદોમાં ફસાય છે. વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલે છે એમાં આબાએ સાંગલીની તાસગાંવ સીટ પર તેમની સામે ચૂંટણી લડી રહેલા MNSના ઉમેદવાર સુધાકર ખાડેને સંબોધીને બયાન કર્યું હતું કે ચૂંટણી લડવી હતી અને વિધાનસભ્ય થવું હતું તો ચૂંટણી પતી ગયા બાદ રેપ કરવો જોઈએને?

આબા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર છે તેથી તેમના આવા વિધાનથી ખળભળાટ મચ્યા બાદ તેમણે પાછી એવી ચોખવટ પણ કરી હતી કે મેં તો ક્રિમિનલ માટે આવું કહ્યું છે. 

આબાનો અગાઉનો વિવાદ

મુંબઈ પર પાકિસ્તાન-પ્રેરિત ૨૬/૧૧નો ખતરનાક આતંકવાદી હુમલો થયો ત્યારે રાજ્યના હોમ મિનિસ્ટર આબાએ વિવાદાસ્પદ વિધાન કર્યું હતું કે મોટાં શહેરોમાં આવી નાની ઘટનાઓ તો બનતી જ હોય છે.

આ વિધાન બાદ વિરોધી પાર્ટીઓએ તેમના પર પસ્તાળ પાળી હતી. હવે ફરીથી આબા રેપ જેવા ગંભીર મામલે પોતાના બેજવાબદાર બયાનથી વિવાદમાં આવ્યા છે.

મામલો શું છે?

આબા સામે ચૂંટણી લડી રહેલા MNSના ઉમેદવાર સુધાકર ખાડે વિરુદ્ધ આઠ દિવસ પહેલાં જ બંદૂકની ધાકે એક મહિલા પર રેપ કરવાની ફરિયાદ નોંધાઈ હતી એનો ઉલ્લેખ કરતાં આબાએ એક જાહેર સભામાં વિવાદાસ્પદ વિધાન કરતાં હોબાળો મચ્યો છે. આ સભાની બહાર આવેલી વિડિયો-ક્લિપ પ્રમાણે આબાએ કહ્યું હતું કે ‘MNSના ઉમેદવાર સામે હમણાં જ રેપની ફરિયાદ નોંધાઈ છે. તેણે ચૂંટણી વખતે આવાં કૃત્યો ન કરવાં જોઈએ. તેણે ચૂંટણી લડવી છે, વિધાનસભ્ય બનવું છે તો ચૂંટણી પતી ગયા બાદ રેપ કરવો જોઈએ.’

મહિલાઓનું અપમાન? 

આ સીટ પર BJP તરફથી ઉમેદવારી કરનારા આબાના જૂના સાથીદાર સંજય કાકા પાટીલને મોકો મળતાં જ તેમણે ટીકા કરી હતી કે ‘આબાએ આવું વિધાન કરીને મહિલાઓનું અપમાન કર્યું છે. રેપ જેવા ગંભીર મામલે કંઈ બોલતાં પહેલાં વિચાર કરવો જોઈએ. હવે તેમનો સાચો ચહેરો સામે આવ્યો છે.’

આબાની ચોખવટ

મારું આખું ભાષણ સાંભળ્યા વગર ટીકા કરવી યોગ્ય નથી. વિરોધીઓ મારા વિધાનોનો અનર્થ કરીને મને બદનામ કરી રહ્યા છે. હું જે બોલ્યો છું એ એક ક્રિમિનલ માટે બોલ્યો છું અને મહિલાઓનું અપમાન કરવાનો મારો કોઈ જ ઇરાદો નહોતો. મહિલાઓ પ્રત્યે મને કેટલો આદર છે એ વિશે મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. રાજ્યના હોમ મિનિસ્ટર તરીકે મેં ડાન્સ-બાર બંધ કરાવીને એમાં મજબૂરીથી કામ કરતી હજારો બારબાળાઓને ન્યાય અપાવ્યો છે.