કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે પર હુમલાને પગલે ઠેર-ઠેર રસ્તા રોકો આંદોલન

26 December, 2018 03:11 PM IST  | 

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે પર હુમલાને પગલે ઠેર-ઠેર રસ્તા રોકો આંદોલન

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પર થયો હતો હુમલો (ફાઈલ ફોટો)

અંબરનાથમાં જાહેર કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે પર થયેલા હુમલાના પ્રયાસ માટે પોલીસની અપૂરતી સુરક્ષાને તેમણે જવાબદાર ઠેરવી હતી. શનિવારે રાતે અંબરનાથમાં યોજાયેલી રૅલીમાં RPIના વડા રામદાસ આઠવલે ઉપસ્થિત રહ્યા હતા. રાતે ૧૦.૧૫ વાગ્યે તેઓ સ્ટેજ પરથી ઊતર્યા ત્યારે ૩૨ વર્ષના પ્રવીણ ગોસાવીએ તેમને લાફો માર્યો હતો. રોષે ભરાયેલા આઠવલેના સમર્થકોએ રવિવારે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હતી, પરંતુ ફક્ત અંબરનાથમાં કડકાઈથી બંધ પાળવામાં આવ્યો હતો. RPIના સમર્થકોએ બાંદરા અને વરલીમાં દેખાવો કર્યો હતો. આ ઉપરાંત દહિસર ચેકનાકા ખાતે રસ્તારોકો અને નાશિકમાં રેલરોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

ગઈ કાલે સવારે રામદાસ આઠવલેએ નિવેદન રજૂ કરીને કહ્યું હતું કે ‘પોલીસે મને પૂરતી સુરક્ષા પૂરી પાડી નહોતી એથી તે યુવાન મારા પર હુમલો કરવા આવી શક્યો હતો. આ મુદ્દે હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવાનો છું. મારી વધી રહેલી લોકપ્રિયતાને કારણે લોકો મારી ઈર્ષા કરે છે અને તે લોકોમાંથી જ કોઈકે મારા પર હુમલો કરાવ્યો હોવો જોઈએ.’

જોકે રામદાસ આઠવલેએ ગઈ કાલે સવારે પક્ષના લોકોને શહેરમાં શાંતિ રાખવાની અપીલ કરી હતી. RPIના કાર્યકર્તાઓએ રામદાસ આઠવલે પર હુમલો કરનાર પ્રવીણ ગોસાવીને પકડીને તેની ખાસ્સી મારપીટ કરી હતી, જેમાં તેના માથામાં ગંભીર માર લાગ્યો હતો. તેની સારવાર મુંબઈની JJ હૉસ્પિટલમાં ચાલી રહી છે. JJ હૉસ્પિટલના ડૉ. સંજય સુરાસેએ આપેલી માહિતી મુજબ પ્રવીણના આખા શરીર પર મારના ઘા હતા અને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેનું સીટી સ્કૅન અને સોનોગ્રાફી કરવામાં આવી છે અને જનરલ સર્જન ડૉ. નવરે હેઠળની ટીમ તેને સારવાર આપી રહી છે.

mumbai news bandra worli ramdas athawale