ટ્રેનમાં પોલીસ ફોન પર વાત કરતો દેખાય તો ફોટો પાડી લો

30 December, 2014 03:18 AM IST  | 

ટ્રેનમાં પોલીસ ફોન પર વાત કરતો દેખાય તો ફોટો પાડી લો



વેદિકા ચૌબે

રેલવે-ટ્રેન, સ્ટેશન કે પોલીસ-સ્ટેશનમાં કોઈ પોલીસ-જવાનને ફોન પર વાતો કરતા રહીને કામ પ્રત્યે બેદરકારી દાખવતો જુઓ તો એનો પુરાવો લઈને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને એની જાણ કરો તો તેને શિક્ષા થવાની શક્યતા રહેશે. RPFના સેન્ટ્રલ રલવેના ચીફ સિક્યૉરિટી કમિશનર એ. કે. સિંહે મહત્વના કામની વાતચીત ન હોય તો ફોન પર ફક્ત ગપાટા હાંકવામાં સમય બગાડીને મુખ્ય કામ બાજુએ નહીં મૂકવાનો ઑર્ડર બહાર પાડ્યો છે. 

એ. કે. સિંહે નવી જોગવાઈ વિશે જણાવ્યું હતું કે ‘અમને અવારનવાર અમારો સ્ટાફ ફોન પર વાતોમાં વ્યસ્ત હોવાને લીધે કામ પર ધ્યાન ન આપતો હોવાની અનેક ફરિયાદો મળે છે. કોઈ પણ સ્ટાફર આવું કરતો હોય તો તેનો ફોટો પાડી લો અને અમને બતાવશો અથવા મોકલશો અને તપાસમાં જો તે દોષી જણાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.’

RPFના સ્ટાફને લાંબા અંતરની ટ્રેનોમાં પણ ડ્યુટી આપવામાં આવે છે. એમાં તેમણે રેલવેની પ્રૉપર્ટીને લગતા કેસો પણ હૅન્ડલ કરવાના આવે છે. કેટલાંક સ્ટેશનો પર મુસાફરોની સિક્યૉરિટીની ડ્યુટી પણ તેમને સોંપવામાં આવે છે, પરંતુ તેઓ કામ અને મુસાફરોની ફરિયાદો તરફ બેદરકારી સેવતા હોવાના અનેક અનુભવો લોકોને થયા છે.