રોહિત શેટ્ટીની જબરી ગોલમાલ

01 April, 2026 09:23 AM IST  |  Mumbai | Samiullah Khan

ઘર પર ફાયરિંગ થયા પછી પોલીસ પાસેથી જેવી સિક્યૉરિટી માગેલી એ ન મળી એટલે બે પ્રાઇવેટ ગાડી પર POLICE લખાવી દીધું અને એના પર બત્તી પણ બેસાડી દીધી

ગયા અઠવાડિયે મુંબઈના એક વિસ્તારમાંથી પસાર થતો રોહિત શેટ્ટીનો કાફલો અને એમાંના એક વાહન પર લગાડેલું ‘POLICE’નું સ્ટિકર. તસવીર : નિમેશ દવે

‘ગોલમાલ’, ‘સિંઘમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી હિટ ફિલ્મો બનાવનાર બૉલીવુડના જાણીતા ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક રોહિત શેટ્ટી મુંબઈ પોલીસની સ્ક્રૂટિની હેઠળ આવી ગયા છે. તેમને મળેલી ધમકી અને ૧ ફેબ્રુઆરીએ તેમના ઘર પર ફાયરિંગ થયા બાદ રોહિત શેટ્ટીએ તેની બે પ્રાઇવેટ કાર પર POLICEનાં સ્ટિકર અને પોલીસ-વૅન પર લગાડવામાં આવે છે એવી લાઇટ ફિટ કરાવડાવી લીધી છે. ૨૦૧૯માં મોટર વ્હીકલ ઍક્ટમાં સુધારો કર્યા બાદ પોલીસ-ડિપાર્ટમેન્ટનાં વાહનો સિવાય કોઈ પણ વાહનો પર પોલીસ લખવું અને એવી લાઇટો બેસાડવી એ સજાપાત્ર ગુનો બને છે. ફાયરિંગની ઘટના બાદ રોહિત શેટ્ટીએ મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીને પત્ર લખીને તેની અને તેની બની રહેલી ફિલ્મ ‘ગોલમાલ 5’ના ક્રૂ-મેમ્બર્સને પોલીસ-પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે એવી માગણી કરી હતી. એ ફિલ્મમાં અક્ષય કુમાર, અજય દેવગન, શ્રેયસ તલપડે, અર્શદ વારસી અને તુષાર કપૂર છે. એક પોલીસ-ઑફિસરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે રોહિત શેટ્ટીએ જે પ્રકારની સિક્યૉરિટી માગી હતી એવી સિક્યૉરિટી તેને અપાઈ નથી. અન્ય એક ઑફિસરે કહ્યું હતું કે તેણે કરેલી પોલીસ-પ્રોટેક્શનની અરજી હજી કન્સિડરેશન હેઠળ છે.

જોકે ‘મિડ-ડે’ એ પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને રોહિત શેટ્ટીનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

mumbai news mumbai rohit shetty Crime News mumbai crime news mumbai police