24 November, 2026 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત પવાર
પ્લેન-ક્રૅશમાં મૃત્યુ પામેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અકસ્માતની ઘટનાને લઈ મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસને સતત ઘેરી રહેલા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-શરદ પવાર (NCP-SP)ના વિધાનસભ્ય રોહિત પવાર પોતાના પક્ષમાં એકલા પડી ગયા હોય એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. રોહિત પવાર દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ અધિવેશન દરમ્યાન શેગાવથી નાગપુર ટ્રૅક્ટર-રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વિરોધ-પ્રદર્શનમાં સામેલ ન થવાની સૂચના પ્રદેશ કાર્યાલય તરફથી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રોહિત પવાર દ્વારા યોજવામાં આવેલા આ વિરોધ-પ્રદર્શનમાં કે પછી સરકાર વિરુદ્ધ રોહિત પવાર દ્વારા યોજવામાં આવતા કોઈ પણ વિરોધ-પ્રદર્શનમાં સામેલ ન થવાની સૂચના NCP-SPના પદાધિકારીઓને આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે રોહિત પવારનું પલડું પક્ષમાં થોડું હલકું થયું હોવાનું કે પછી આંતરિક વિખવાદ ચાલતો હોવાનું કહેવાઈ રહ્યું છે. NCP-SPમાં વિખવાદનો આ પહેલો જ કિસ્સો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ રોહિત પવારે ટ્રૅક્ટર-રૅલી બાબતે પોતાના પક્ષના વિદર્ભના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જોકે બેઠક પત્યા બાદ NCP-SPના પ્રદેશ કાર્યાલય તરફથી આ રૅલીમાં કે સરકાર વિરુદ્ધ બીજા કોઈ વિરોધ-પ્રદર્શનમાં સામેલ ન થવાની પદાધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું કહેવાય છે.