મુલુંડમાં માત્ર ત્રણ લાખની લોનની રિકવરી માટે સાડા છ લાખ રૂપિયાની ચોરી

27 December, 2011 07:37 AM IST  | 

મુલુંડમાં માત્ર ત્રણ લાખની લોનની રિકવરી માટે સાડા છ લાખ રૂપિયાની ચોરી



૧૦ ડિસેમ્બરે રાતે સાડાઆઠ વાગ્યે જિમમાં થયેલી ચોરી વિશે માહિતી મળતાંની સાથે પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી અને તેણે ચોરોની પાછળ પુણે ડિસ્ટ્રિક્ટના તળેગાંવ દાભાડે પહોંચીને સાડાછ લાખ રૂપિયાનો ચોરીનો માલ આરોપીઓ પાસેથી રિકવર કરીને ૨૪ કલાકમાં જ કેસ સૉલ્વ કરી દીધો હતો. પોલીસ-ઇન્સ્પેક્ટર જાલિન્દર જાધવે આ ઘટના વિશે માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સાયનો શ્યૉર જિમના માલિક અને પાર્ટનર નીલેશ કરઘવ તથા મિલિંદ કદમને ત્રણ લાખ રૂપિયાની લોન જોઈતી હતી. લોનનાં નાણાં તેમને ત્યાં કામ કરતા સુભાષ દત્તુએ તળેગાંવ દાભાડેના તેના ઓળખીતા દિનેશ પાસે વ્યાજે અપાવ્યાં હતાં. બે-ત્રણ મહિના દિનેશને બરાબર વ્યાજના રૂપિયા પહોંચાડ્યા બાદ નીલેશ અને મિલિંદે વ્યાજ કે મૂળ રકમના રૂપિયા આપવાનું બંધ કરી દીધું હતું.’

વ્યાજના કે મુદ્દલ રૂપિયા ન મળતાં દિનેશે સુભાષ પર દબાણ કરતાં નાછૂટકે તેણે પોતે જ્યાં કામ કરતો હતો એ જ જિમમાં ચોરી કરવાનું નક્કી કર્યું. એ વિશે જાલીન્દર જાધવે કહ્યું હતું કે ‘એક રાતે નીલેશ અને મિલિંદના જિમમાં કામ કરતો સુભાષ પોતાના બીજા એક સાથી બાબન ટકલે સાથે જિમમાં પહોંચી ગયો હતો અને ત્યાં હાજર અન્ય વ્યક્તિને ધમકાવીને જિમનો સામાન ટેમ્પોમાં નાખીને તળેગાંવ દાભાડે લઈ ગયો હતો. નીલેશ અને મિલિંદે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં હું મારી ડિટેક્શન ટીમના બે સાથીઓ સાથે ત્યાં પહોંચીને જિમનો સામાન અને એ લાવનારને પકડી લાવ્યા હતા.’

૧૨ ડિસેમ્બરે આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક તપાસ બાદ કોર્ટે ત્રણ દિવસની સજા કરી હતી. અત્યારે તેઓ જામીન પર છે. જોકે જિમનો સામાન મુલુંડપોલીસના કબ્જામાં છે અને એના પર હજી સુધી કોઈએ પોતાના હકનો દાવો નથી કર્યો.