ઘાટકોપરમાં જૈન ફૅમિલીના ફ્લૅટમાં ભરબપોરે થઈ ચોરી

02 December, 2012 05:14 AM IST  | 

ઘાટકોપરમાં જૈન ફૅમિલીના ફ્લૅટમાં ભરબપોરે થઈ ચોરી


ઘાટકોપર (ઈસ્ટ)ની હિંગવાલા લેનની પૉપ્યુલર હોટેલની પાછળ આવેલી ગણેશ કૃપા સોસાયટીના ત્રીજા માળે આવેલા ફલૅટ નંબર-૧૦માં રહેતો જૈન પરિવાર ઘાટકોપર (વેસ્ટ)માં રહેતા એના સંબંધીને ત્યાં ફંક્શનમાં ગયો હતો એ સમયે ગઈ કાલે બપોરે એના ઘરના સેફટી ડોર, મેઇન ડોરને તોડીને ઘરમાં ઘૂસી આવેલા ચોરોએ બેડરૂમનાં બે લોખંડનાં અને બે લાકડાંનાં કબાટોનાં તાળાં તોડી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે પાંચથી સાત લાખ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે આ પરિવારને કબાટને કે અન્ય કોઈ જગ્યાએ હાથ લગાડવાની ના પાડી હોવાથી ચોરીની રકમનો પાકો અંદાજ આ જૈન પરિવારને આવ્યો નથી.’

નવાઈની વાત તો એ છે કે પંતનગર પોલીસે આ સોસાયટીમાં વૉચમૅન નથી એ બહાનું હાથ ધરીને ચોર સુધી કેવી રીતે પહોંચીશું એ સવાલ એફઆઇઆરની નોંધણી પહેલાં જ ઊભો કરી દીધો હતો. બપોરના સમયે પાડોશીઓએ પણ દરવાજા તૂટવાનો કે અન્ય કોઈ અવાજ સાંભળ્યો નહોતો એટલે આરોપી સુધી કેવી રીતે પહોંચી શકાશે એ એક સવાલ છે.

ઘાટકોપર (ઈસ્ટ)ના રેલવે-સ્ટેશનની નજીક ગણેશ કૃપા સોસાયટી મેઈન રોડ પર આવેલી છે. આ રસ્તો ૨૪ કલાક લોકોની અવરજવરથી ધમધમતો રહે છે. ગઈ કાલે આ સોસાયટીમાં રહેતા દેરાવાસી જૈન મુકેશ સંઘવી ઘાટકોપર (વેસ્ટ)ના તેમના સાસરે મહારાજસાહેબ પગલાં કરવા આવવાના હોવાથી બપોરે એક વાગ્યે જમવા જઈને બપોરે ત્રણ વાગ્યે પાછા ફર્યા એ દરમ્યાન આ ચોરી થઈ હતી.

નીરુ મુકેશ સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર-(વેસ્ટ)ની ગંગાવાડીમાં મારા પિયરે ગઈ કાલે સવારે મહારાજસાહેબ પગલાં કરવા આવવાના હોવાથી હું અને મારાં પુત્ર-પુત્રીઓ સવારથી જ મારા પિયરે ગયાં હતાં. બપોર એક વાગ્યે મારા પતિ ફ્લૅટ બંધ કરી મારા પિયરે જમવા આવ્યા હતા. જમીને તેઓ ઘરે પાછા ફર્યા તો તેમણે ઘરના દરવાજા અને કબાટોનાં તાળાં તૂટેલાં જોતાં તરત જ મને ફોન કરી ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. અમે પરિવારવાળા ભેગા થયા પછી પોલીસને આ બનાવની જાણ કરી હતી. પોલીસે અમને ઘરમાં કોઈ જ જગ્યાએ હાથ લગાડવાની ના પાડી હતી તો પણ એક અંદાજ પ્રમાણે એક લાખ ૩૦ હજારની રોકડ, બે કિલો ચાંદીની વસ્તુઓ અને ૧૦થી ૧૨ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે. પાકો આંકડો તો અમે કબાટને હાથ લગાડીએ પછી જ જાહેર કરી શકીશું.’

એફઆઇઆર : ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ