ભાઇંદરના દેરાસરમાં ભગવાનની પ્રતિમા અને લાખો રૂપિયાની ચોરી

06 October, 2014 03:06 AM IST  | 

ભાઇંદરના દેરાસરમાં ભગવાનની પ્રતિમા અને લાખો રૂપિયાની ચોરી




ભાઈંદર (વેસ્ટ)માં આવેલા દિગમ્બર સમાજના મુખ્ય દેરાસરમાં શનિવારે મોડી રાતે ચોરોએ ચતુરાઈથી ચોરી કરીને લાખો રૂપિયા અને ભગવાનની પ્રતિમા સાથે કેટલીયે વસ્તુની ચોરી કરી હતી. દેરાસરમાં આ રીતે ચોરી થતાં સમાજના લોકોએ એનો વિરોધ કર્યો છે. એક જ પરિસરમાં બે મહિનામાં બે ચોરીના બનાવ બનતાં ચોરોના આતંકે લોકોમાં ચિંતાની લાગણી ફેલાય છે.

ભાઇંદર (વેસ્ટ)ના દેવચંદનગરમાં આવેલા પાશ્વર્નગર બિલ્ડિંગ-નંબર ૫ાંચમાં આવેલા ૧૦૦૮ આદિનાથ દિગમ્બર જૈન મંદિરમાં ગઈ કાલે સવારે પાંચ વાગ્યે પૂજારી પહોંચ્યા ત્યારે દેરાસરનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો.

આ બનાવ વિશે વધુ માહિતી આપતાં સંઘના સભ્ય અનિલ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિનાલયમાં ચોરી થયા બાદ અમે અમારા દેરાસરમાં પણ કૅમેરા બેસાડવાના હતા, પણ દેરાસરનું રિનોવેશન ચાલતું હોવાથી પછીથી બેસાડવાના હતા. જોકે એ પહેલાં જ આવો બનાવ બની જતાં અમને ખૂબ જ આઘાત લાગ્યો છે. દેરાસરમાંથી સોનાનો વરખ લગાડેલી પાશ્વર્નાથ ભગવાનની ચાંદીની પ્રતિમા, ભગવાનનાં ચાંદીનાં ત્રણ છત્ર અને ચાંદીનું આભામંડળ ચોરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત દેરાસરના બે ભરેલા ભંડાર પણ તોડવામાં આવ્યા છે. આ ભંડાર અમે પયુર્ષણ પહેલાં ખોલ્યા હતા. એ અનુસાર અમે હિસાબ લગાડ્યો તો લગભગ એકથી દોઢ લાખ રૂપિયા સુધીની રકમ એમાં હોવી જોઈએ. ચોરીના બનાવ પછી સંઘે નિર્ણય લીધો છે કે રિનોવેશન પૂરું થાય ત્યાર બાદ અમે કૅમેરાનું કામ પૂરું કરીશું અને વૉચમૅન રાખીને સિક્યૉરિટી પણ વધારીશું. આ ચોરી જે રીતે થઈ છે એ જોતાં તો એવું જ લાગી રહ્યું છે કે જિનાલયમાં બે મહિના પહેલાં થયેલી ચોરી જે ચોરોએ કરી છે તે જ ચોરોએ આ ચોરી કરી હશે, કેમ કે જિનાલયમાં પણ દરવાજાનું લૉક ગૅસ-કટરથી કાપ્યું હતું અને અહીં પણ મેઇન દરવાજાનાં બે લૉક ગૅસ-કટરથી કાપ્યાં છે અને લૉક પણ તોડી નાખ્યાં છે. ઉપરાંત ભંડારમાંથી નોટો લઈને ચિલ્લર ત્યાં જ છોડી દીધું છે. દેરાસરમાં આ પહેલાં લગભગ એક-બે વર્ષ પહેલાં ભંડારમાંથી પૈસા ચોરવામાં આવ્યા હતા, પણ આટલી મોટી ચોરી પહેલી વખત જ થઈ છે. ભગવાનની પ્રતિમા જ ચોરી થતાં સમાજના લોકોની લાગણી દુભાઈ છે. પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસ કેટલા સમયમાં કેસ ઉકેલશે એ જોવાનું છે. પોલીસે ઘટનાસ્થળે આવીને બધી જ જગ્યાએ તપાસ કરીને ડૉગ-સ્ક્વૉડની પણ મદદ લીધી હતી.’

પ્રતિમા મળે એ માટે સતત જાપ

ભગવાનની પ્રતિમા ચોરાઈ જવાથી સમાજના લોકોની લાગણી ખૂબ દુભાઈ હતી. આથી પ્રતિમા મળી જાય એ માટે લોકોએ ભેગા થઈને દેરાસરમાં જાપ શરૂ કર્યા છે.