ફ્રેન્ડના પર્સની ચોરી ગુજરાતી યુવતીનાં લગ્ન તોડાવશે

26 August, 2012 03:07 AM IST  | 

ફ્રેન્ડના પર્સની ચોરી ગુજરાતી યુવતીનાં લગ્ન તોડાવશે

શિરીષ વક્તાણિયા

મુંબઈ, તા. ૨૬

મોજમસ્તી કરવા માટે પોતાની જ ફ્રેન્ડનું પર્સ ચોરી કરી રાખેલા નવ હજાર રૂપિયા સહિત તેનું ડેબિટ કાર્ડ વાપરવાના ગુના હેઠળ બોરીવલી પોલીસે કૉલ-સેન્ટરમાં કામ કરતી બાવીસ વર્ષની ગુજરાતી યુવતી સાયલી (નામ બદલ્યું છે)ની ગુરુવારે ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં સોમવાર સુધી પોલીસકસ્ટડી આપવામાં આવી છે. એક મહિના પહેલાં જ આ યુવતીના એન્ગેજમેન્ટ થયા છે અને હાલમાં તેનાં લગ્નની તૈયારી ચાલી રહી છે ત્યારે આ યુવતી પોલીસકસ્ટડીમાં છે. બોરીવલી પોલીસ-સ્ટેશનના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાયલી કૉલ-સેન્ટરમાં કામ કરે છે. ત્રણ દિવસ પહેલાં જ તેણે મોજમસ્તી કરવા ઑફિસથી ઘરે આવતી વખતે તેની એક ફ્રેન્ડનું પર્સ ચોરી લીધું હતું અને તેના પર્સમાં રાખેલા રૂપિયા ખર્ચ કર્યા હતા. ચોરી કરી હોવાના બીજા જ દિવસે સાયલીએ ઑફિસમાંથી રજા લીધી હતી અને તેની કારમાં લોનાવલા ફરવા ગઈ હતી. મુંબઈ આવીને તેણે કાંદિવલીમાં આવેલા રઘુલીલા મૉલમાં ફ્રેન્ડનું ડેબિટ કાર્ડ વાપરીને શૉપિંગ કર્યું હતું. જોકે મૉલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરામાં સાયલીનો ચહેરો કેદ થઈ ગયો હતો અને તપાસ કરતાં તેની ફ્રેન્ડે તેને ઓળખી તેની ધરપકડ કરાવી હતી.’

પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સાયલીના એન્ગેજમેન્ટ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ તેનાં લગ્ન રાખવામાં આવ્યા છે. સોમવારે આ યુવતીના બીજા રિમાન્ડની તારીખ છે. જો કોર્ટ સાયલીને જામીન પર નહીં છોડે તો તેનાં લગ્નની આડે વિઘ્ન આવે એવી શક્યતા છે. સાયલીએ પહેલી જ વાર ભૂલમાં મોજમસ્તી કરવા માટે ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. સાયલીએ પોલીસને કહ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને આવી ભૂલ હું બીજી વાર નહીં કરું.’

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન