ચોરના ચહેરા પરનો રૂમાલ નીકળ્યો અને થયો ૧૦૦થીયે વધુ ગુનાઓનો પર્દાફાશ

18 August, 2012 06:27 AM IST  | 

ચોરના ચહેરા પરનો રૂમાલ નીકળ્યો અને થયો ૧૦૦થીયે વધુ ગુનાઓનો પર્દાફાશ

 

બોરીવલી (ઈસ્ટ)ના કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશને ક્રાઇમ બ્રાન્ચ ટીમની મદદથી ફક્ત જ્વેલર્સની દુકાનનાં તાળાં તોડીને ચોરી કરનારા મુખ્ય આરોપી ૩૧ વર્ષના પરશુરામ ઉર્ફ પેશુ બાલારામ ચૌધરી અને ૩૬ વર્ષના અપ્પારાવ ક્ષીરસાગર સહિત તેમના સાથીદાર ૩૫ વર્ષના આરીફ હનીફ ખાન અને ૨૬ વર્ષના રમેશકુમાર સત્તન નિશાદની ધરપકડ કી હતી. આ ગૅન્ગ ૧૧ જુલાઈએ બોરીવલી (ઈસ્ટ)માં આવેલા શાંતિ જ્વેલર્સનું તાળું તોડી દુકાનમાંથી ૧૩,૯૨,૫૦૦ રૂપિયાના દાગીના ચોરીને નાસી ગઈ હતી. પોલીસે દુકાનમાં રાખેલા સીસીટીવી કૅમેરાની મદદથી તેમના સ્કેચ બનાવી તેમની ધરપકડ કરી હતી. ગૅન્ગ પાસેથી ૧૦,૪૬,૨૫૦ રૂપિયાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા છે. જોકે તેમની વિરુદ્ધ ૧૦૦થી ૧૨૫ ગુના શહેરનાં તમામ પોલીસ-સ્ટેશનોમાં નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઝોન-૧૨ના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર સુનીલ દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૧ જુલાઈએ બોરીવલી (ઈસ્ટ)માં આવેલા ગુલમોહર રોડ પર આવેલી શાંતિ જ્વેલર્સમાં સવારે ૪.૧૦ વાગ્યે આ ગૅન્ગ તાળાં તોડી ઘૂસી હતી. ચોરી કરતી વખતે એક આરોપીએ ચહેરા પર બાંધેલો રૂમાલ નીકળી ગયો હતો એથી તેનો ચહેરો સીસીટીવી કૅમેરામાં કૅપ્ચર થઈ ગયો હતો. કસ્તુરબા માર્ગ પોલીસે સીસીટીવીનાં ફુટેજના આધારે તેનો સ્કેચ બનાવીને તપાસ કરતાં તેની વિરુદ્ધ ૧૦૦થી વધુ ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગૅન્ગ પાસેથી દુકાનમાંથી ચોરી કરેલા ૧૦,૪૬,૨૫૦ રૂપિયાના દાગીના હસ્તગત કરી દુકાનના માલિક જગદીશ રાજ પુરોહિતને આપી દીધા હતા.’