બૅન્કથી પીછો કરીને કારનો કાચ તોડીને ચોરી કરનારા સીસીટીવી કૅમેરામાં કેદ

02 August, 2012 07:12 AM IST  | 

બૅન્કથી પીછો કરીને કારનો કાચ તોડીને ચોરી કરનારા સીસીટીવી કૅમેરામાં કેદ

 

મીરા રોડના શાંતિ પાર્ક વિસ્તારમાં આવેલી ડાયનેસ્ટી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતો શેખર સોમવારે જમ્મુ ઍન્ડ કશ્મીર બૅન્કમાં પૈસા કઢાવવા ગયો હતો. બૅન્કમાંથી પૈસા કાઢીને તે અમુક ડૉક્યુમેન્ટ લેવા ફરી ગયો હતો. બૅન્કમાંથી નીકળ્યો ત્યારથી જ તેના પર કોઈની નજર છે એ તેને ખબર જ પડી નહોતી.

શેખર તેનું બૅન્કનું કામ પૂરું કરીને તેના ઘરે જવા નીકળ્યો. બિલ્ડિંગની પાર્કિંગની જગ્યાએ તેણે ૧૦ મિનિટ માટે ગાડી પાર્ક કરી હતી. ગાડી પાર્ક કરી તે ઉપર ઘરે ગયો હતો. શેખર ઉપર ગયો કે બન્ને ચોરો સોસાયટીની અંદર આવી ગયા. બે ચોરમાંથી એક ચોર બિલ્ડિંગના વૉચમૅન સાથે વાતો કરવા લાગ્યો અને તેને અમુક સરનામા વિશે પૂછવા લાગ્યો હતો, જ્યારે બીજા ચોરે આ ૧૦ મિનિટમાં ગાડીનો કાચ તોડી એમાં એક પૅકેટમાં રાખેલા ૫૦ હજાર રૂપિયા લઈ લીધા હતા અને બન્ને ભાગી નીકળ્યાં હતા.

શેખરને એક વાતની થોડી નિરાંત થઈ કે સારું થયું તેણે એ દિવસે પાંચ લાખ રૂપિયા કાઢ્યા હતા, પણ બે અલગ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોવાથી તેણે બે અલગ પૅકેટમાં પૈસા રાખ્યા હતા. પરંતુ ચોરોનું ઉતાવળમાં બીજા પૅકેટ પર ધ્યાન ગયું નહોતું. ચોરી થયા બાદ શેખરે તેના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયાં તો એમાં ચોરોને પાર્કિંગમાં ચોરીછૂપીથી ઘૂસતા જોયા હતા. ત્યાર બાદ આ ફુટેજ સાથે તે બૅન્કમાં ગયો અને ત્યાં પણ તેણે ફુટેજ જોયાં તો તે આ બન્ને ચોરો જ હતા. એના પરથી શેખરને ખબર પડી કે આ બન્ને ચોરોએ બૅન્કથી જ તેના પર નજર રાખી હતી.  

આ બાબતે શેખરે કહ્યું હતું કે ‘મેં બૅન્કમાંથી વધુ પૈસા કઢાવ્યા હતા તેથી તેમણે મારા પર બરાબર ધ્યાન રાખ્યું હશે, પણ નસીબજોગે મેં પૈસા બે પૅકેટમાં રાખ્યા હતા તેથી બીજું પૅકેટ કે જેમાં ૪ લાખ ૫૦ હજાર રૂપિયા રાખ્યા હતા એ બચી ગયું હતું. આ ઘટનાની પોલીસને જાણ કરી છે.’  

સીસીટીવી = ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન