રોડની માલિકીના વિવાદમાં હાલાકી નાગરિકોને

26 October, 2012 08:20 AM IST  | 

રોડની માલિકીના વિવાદમાં હાલાકી નાગરિકોને



મલાડ-વેસ્ટમાં આવેલા એવરશાઈન નગરમાં રોડની જાળવણીના મુદ્દે બિલ્ડર અને સુધરાઈ દાવા પ્રતિદાવાના યુદ્ધમાં વ્યસ્ત હોવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે એવરશાઈન નગરના મોટા ભાગના રસ્તાની હાલત અત્યંત ખરાબ છે અને બન્નેમાંથી એકેય રોડનું સમારકામ કરવા તૈયાર નથી.

સુધરાઈ કહે છે કે એવરશાઈન નગર પ્રાઈવેટ લે-આઉટ હોવાથી રોડની જાણવણી કરવાની જવાબદારી બિલ્ડરની છે, જ્યારે બિલ્ડર એવો દાવો કરે છે કે એવરશાઈન નગરના બધા જ રસ્તાની માલિકી સુધરાઈને હસ્તાંતરિત કરી દેવામાં આવી હોવાના તેની પાસે દસ્તાવેજી પુરાવા છે અને હવે આની માલિકી સુધરાઈની હોવાથી તેની જાળવણીનું કામ સુધરાઈનું છે.

એવરશાઈન નગરના રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, ફૂટપાથો તૂટી ગઈ છે, રોડ ક્યાંક ઊંચા અને ક્યાંક નીચા છે, ક્યાંક ઈલેક્ટ્રિકના કેબલ રસ્તામાંથી બહાર નીકળી આવ્યા છે.

એવરશાઈન નગરના રહેવાસી સીમા અગરવાલે કહ્યું હતું કે ‘મારે રોજ ધસારાના સમયે ઓફિસ કારમાં જવાનું હોય છે.મુવી ટાઈમ થિયેટરની સામેનો રસ્તો પાર કરતાં ૧૫ મિનિટથી વધુનો સમય લાગે છે, કેમ કે રસ્તા પર ખાડા એટલા મોટા છે કે સંભાળીને કાર ચલાવવી પડે. સુધરાઈને નાગરિકોને સુવિધા આપવી જોઈએ.

બીજા એક રહેવાસી અશોક કુમારે કહ્યું હતું કે‘ રોડનું સમારકામ ઝડપથી થવું જોઈએ. નાગરિકો તરીકે ટેક્સ ભરીને અમે અમારી ફરજ પૂરી કરીએ છીએ તો સુધરાઈએ પણ પોતાની ફરજ પૂરી કરવી જોઈએ. અમે સમયસર વેરા ન ભરીએ તો દંડ કરવામાં આવે છે, સુધરાઈને કોણ દંડ કરશે? મુવીટાઈમ થિયેટર પાસે થોડા સમય પહેલાં સુધરાઈએ ખોદકામ કર્યું હતું ત્યાં તો કેબલ ખુલ્લા પડ્યા છે. આ અત્યંત જોખમી છે.’

મેઈન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ એન્જિનિયર ડી. એન. શિંદેએ કહ્યું હતું કે ‘મારા જાણવા મુજબ આ રોડની માલિકી ખંડેલવાલ ગ્રુપની છે. આમ છતાં અમારે દસ્તાવેજો ચેક કરવા પડશે. જો રોડનું હસ્તાંતરણ થઈ ગયું હશે તો અમે તરત જ કામ કરી નાખીશું.’

બિલ્ડરનું શું કહેવું છે?


અત્યારે આ પ્લોટની માલિકી ધરાવતા સંકલ્પ ડેવલપર્સના વૈભવ શર્માએ કહ્યું કે પહેલાં આ રોડ જે પ્લોટ પર હતો તે પ્લોટની માલિકી ખંડેલવાલ ગ્રુપ પાસે હતી અને હવે તે અમારી પાસે છે. માલિકી અમારી પાસે આવી કે તરત જ અમે રોડનો હિસ્સો સુધરાઈને હસ્તાંતરિત કરી દીધો હતો. સુધરાઈએ દસ્તાવેજો ખોઈ નાખ્યા છે. અમારે પણ નવેસરથી પ્રોપર્ટી કાર્ડ કઢાવવું પડ્યું હતું. આ રોડની માલિકી સુધરાઈને ૨૭ વર્ષ પહેલાં એટલે કે ૬ જાન્યુઆરી, ૧૯૮૬માં આપવામાં આવી છે.’