ઔરંગાબાદ-અજંતાની ગુફાને સાંકળતા માર્ગની કંગાળ સ્થિતિ પર ધ્યાન આપો : સુપ્રિયા સુળે

25 September, 2021 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિશ્વ ધરોહર અને લોકપ્રિય પ્રવાસન-સ્થળની મુલાકાત લીધા બાદ સુપ્રિયા સુળેએ ટ્વીટ કરીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીને આ મુદ્દા પર ધ્યાન આપવાની ભલામણ કરી હતી

સુપ્રિયા સુળે

એનસીપીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી વિશ્વપ્રસિદ્ધ અજંતા ગુફાઓ તરફ જતા માર્ગની બદતર સ્થિતિ તરફ શુક્રવારે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું.

આ વિશ્વ ધરોહર અને લોકપ્રિય પ્રવાસન-સ્થળની મુલાકાત લીધા બાદ સુપ્રિયા સુળેએ ટ્વીટ કરીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીને આ મુદ્દા પર ધ્યાન આપવાની ભલામણ કરી હતી.

તેમણે ઔરંગાબાદ-અજંતાની ગુફાઓના ૧૦૦ કિલોમીટર લાંબા માર્ગની કંગાળ સ્થિતિ વિશે લખ્યું હતું અને આ વિસ્તારના વિકાસ માટે સારા માર્ગોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુપ્રિયા સુળેએ આ સપ્તાહના પ્રારંભમાં જુદી-જુદી દિશામાં આવેલી અજંતા-ઇલોરાની ગુફાઓ તથા દૌલતાબાદ (દેવગિરિ) ફોર્ટની મુલાકાત લીધી હતી. ૧૦૦ કિલોમીટરનો મોટર-પ્રવાસ કરીને તેઓ અજંતાની ગુફાઓ પહોંચ્યાં હતાં.

વિશ્વભરના પ્રવાસીઓ આ ગુફાની મુલાકાત લેવા આવે છે અને ગુફાઓ તરફ જતા રસ્તે વાહનોનો ભારે ધસારો રહે છે એમ જણાવીને તેમણે કહ્યું હતું કે હું કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીને આ પટ્ટા વિશે હકારાત્મક રીતે વિચારવાની અને એના પર નિર્ણય લેવાની વિનંતી કરું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘૧૫૦ કિલોમીટર લાંબા ઔરંગાબાદ-અજંતા-જળગાંવ હાઇવેનો ૧૧૦ કિલોમીટરનો ફોર-લેન પટ્ટો પૂરો થઈ ગયો છે અને બાકીનું કાર્ય આ વર્ષના અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે.’

mumbai mumbai news supriya sule nitin gadkari