બળાત્કારીઓના સકંજામાંથી વિદેશી યુવતીને રહેવાસીઓએ ઉગારી લીધી

29 December, 2011 05:24 AM IST  | 

બળાત્કારીઓના સકંજામાંથી વિદેશી યુવતીને રહેવાસીઓએ ઉગારી લીધી



શિવા દેવનાથ

મુંબઈ, તા. ૨૯

ગોરેગામ (ઈસ્ટ)ના વનરાઈ પોલીસ-સ્ટેશનની નજીક આવેલા ઓમ બિલ્ડિંગની નજીક મધરાતે ૧૮ વર્ષની નેધરલૅન્ડ્સની એક યુવતી ‘કોઈ મને બચાવો’ની બૂમ પાડતી મળી આવી હતી. કારણ કે ક્રિસમસની રાત્રે આરે મિલ્ક કૉલોનીના જંગલમાં પોતાના પર બળાત્કાર કરનારાઓની ચુંગાલમાંથી ભાગીને તે આવી હતી. યુવતીની ધીરજ તથા સેલ્ફ ડિફેન્સની ટ્રેઇનિંગ તેના કામમાં આવી હતી એટલે તે બળાત્કારી લોકોની ચુંગાલમાંથી બચીને રહેવાસી વિસ્તાર તરફ આવી હતી, જ્યાં ત્યાંના રહેવાસીઓએ તેને બચાવી હતી. 

શું બન્યું?

યુવતી ઇમા (નામ બદલ્યું છે) તથા ઓમ બિલ્ડિંગના ૨૧ નંબરમાં રહેતા લોકોએ આપેલી માહિતી મુજબ આ યુવતી ૧૫ દિવસ પહેલાં મુંબઈ આવી હતી. વસઈમાં પોતાના એક પુરુષ મિત્રને ત્યાં ક્રિસમસની ઉજવણી બાદ રાત્રે એક વાગ્યે રિક્ષામાં બેસીને તે અને મિત્ર વસઈથી દહિસર આવ્યાં હતાં. દહિસર ચેકનાકા પાસેથી બીજી રિક્ષા પકડીને તેઓ મુલુંડ જવા રવાના થયાં. રસ્તામાં ઇમા સાથે આવેલો યુવાન કાંદિવલી ઊતરી જતાં રિક્ષાચાલકને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ માર્ગે જવાની સૂચના આપી, પરંતુ યુવતીના કહ્યા મુજબ રિક્ષાચાલકે મલાડ પાસે રિક્ષા ઊભી રાખતાં અન્ય એક માણસ રિક્ષાચાલકની બાજુમાં બેસી ગયો હતો. રિક્ષાચાલકે અચાનક આરે મિલ્ક કૉલોની તરફ રિક્ષા વાળી હતી. ઇમાએ તેને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડે લઈ જવા વિનંતી કરી એને રિક્ષાચાલકે અવગણી હતી. રિક્ષા વનરાઈ પોલીસ-સ્ટેશનની પાછળના એકાંત વિસ્તારમાં પહોંચી ત્યારે રિક્ષાચાલકની સાથે બેઠેલી વ્યક્તિ પાછળની સીટ પર આવી ગઈ હતી. ઇમાએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરતાં તે વ્યક્તિએ તેની બોલતી બંધ કરી દીધી હતી તેમ જ બળજબરીથી તેનું જીન્સ ઉતાર્યું હતું. એક આરોપીએ તેનું ગળું દબાવી રાખ્યું હતું, જ્યારે બીજાએ તેના પર બળાત્કાર કર્યો હતો. સ્વબચાવની થોડીઘણી તાલીમ લીધેલી ઇમાએ ફરી તેના પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરનાર આરોપીઓની છાતી પર લાત મારી હતી. ઉઝરડાને કારણે ઘાયલ થયેલી ઇમા બન્ને આરોપીઓને ઘાયલ કરીને ત્યાંથી ભાગી છૂટી હતી. જેમાં ૮૦૦૦ રૂપિયા હતા એ પોતાનું પર્સ, આઇ-ફોન તથા પાસર્પોટ તે ત્યાં જ મૂકી આવી હતી. પોતે ક્યાં છે એ વાતથી અજાણ ઇમાએ થોડે દૂર લાઇટ સળગતી જોઈ હતી. બે માણસોને તેનો પીછો કરતા જોઈને ‘કોઈ મને બચાવો’ની બૂમો પાડતી તેણે રહેણાકની દિશા તરફ દોટ મૂકી હતી.

રહેવાસીઓ મદદે આવ્યા

યુવતીનો અવાજ સાંભળીને ઓમ બિલ્ડિંગના રહેવાસીઓ જ્યાંથી રડવાનો અવાજ આવતો હતો એ દિશા તરફ ભેગા થયા હતા. રહેવાસીઓએ એક મહિલાને ટૉપ પહેરેલી હાલતમાં દોડતી જોઈ. લોકોએ આઠ ફૂટ ઊંચી દીવાલ ઓળંગી તે યુવતીને બચાવીને તેને પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા. વનરાઈ પોલીસ-સ્ટેશને બે વ્યક્તિઓ વિરુદ્ધ અપહરણ, લૂંટ તથા બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.

આરોપીઓના સ્કેચ તૈયાર

ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ  (નૉર્થ રીજન) રામરાવ પવારે કહ્યું હતું કે ‘મામલાની ગંભીરતા જોતાં સમગ્ર નૉર્થ રીજનને અલર્ટ કરવામાં આવ્યો છે. બન્ને આરોપીઓના સ્કેચ પણ બનાવવામાં આવ્યા છે. અમને એવી આશંકા છે કે યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો છે. યુવતીએ નાગપાડામાં મેડિકલ ટેસ્ટ કરાવવાની ના પાડી હોવા છતાં આરોપીઓ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’