સુશાંત સુસાઇડ કેસમાં અજિત પવારના પુત્રની ટિપ્પણી:ભુજબળે વાત ટાઢી પાડી

14 August, 2020 11:33 AM IST  |  Mumbai Desk | Agencies

સુશાંત સુસાઇડ કેસમાં અજિત પવારના પુત્રની ટિપ્પણી:ભુજબળે વાત ટાઢી પાડી

સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી

મહારાષ્ટ્ર પોલીસે રાજકીય દબાણને કારણે સુશાંત કેસમાં એફઆઇઆર નોંધ્યો નહીં હોવાનું અને એ કેસની તપાસમાં બિહાર પોલીસને સહકાર પણ ન આપ્યો હોવાનું બિહાર રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું હતું. બિહાર સરકારે જણાવ્યું હતું કે સીબીઆઇ ઝડપથી સુશાંત કેસની તપાસની કાર્યવાહી પૂરી કરે એ માટે હાલના સંજોગોમાં એ તપાસ સંસ્થાના માર્ગમાં કોઈ અવરોધ ન આવે એની તકેદારી રાખવી જરૂરી છે.

અભિનેત્રી રિયા ચક્રબર્તી વિરુદ્ધ સુશાંતને આપઘાત માટે ઉશ્કેરવાના આરોપસર પટણામાં ફરિયાદ નોંધવામાં આવી છે, એ સંદર્ભમાં રિયાએ કેસ મુંબઈમાં ટ્રાન્સફર કરવાની માગણી સાથેની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી છે. એ અરજીના અનુસંધાનમાં સર્વોચ્ચ અદાલતે ગઈ ૧૧ ઑગસ્ટે આદેશ અનામત રાખતાં રિયા ચક્રબર્તી અને બિહાર સરકારના જવાબો માગ્યા હતા. બન્ને પક્ષોએ ગઈ કાલે તેમના જવાબો અદાલતને સોંપ્યા હતા.

રિયા ચક્રબર્તીએ જણાવ્યું હતું કે ‘બિહાર પોલીસની માગણીને આધારે સુશાંત કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે છે, પરંતુ એવી માગણી કરવાનો બિહાર સરકારને અધિકાર નથી. બિહારમાં ચાલતી તપાસ પૂર્ણપણે ગેરકાયદે છે. હાલની સ્થિતિમાં ગેરકાયદે એક્ઝિક્યુટિવ ઑર્ડર્સ દ્વારા ગેરકાયદે કાર્યવાહીના આધાર પર તપાસ સીબીઆઇને સોંપી ન શકાય. દેશના બંધારણની ૧૪૨મી કલમ હેઠળ અદાલતને પ્રાપ્ત અધિકારને આધારે કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે તો એની સામે કોઈ વાંધો નથી. અન્યથા તપાસ બિહાર સરકાર પાસેથી સીબીઆઇને ટ્રાન્સફર કરવાનું પગલું ગેરકાયદે ગણાશે.’

સુશાંતના પિતાએ કેસ સીબીઆઇને સોંપવાનો સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો 

સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના કેસની તપાસ વહેલી તકે સીબીઆઇને ટ્રાન્સફર કરવાનો આગ્રહ સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહે સર્વોચ્ચ અદાલતને કર્યો હતો. કે. કે. સિંહે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર પોલીસ યોગ્ય રીતે તપાસ ન કરતી હોવાથી એ કેસ સીબીઆઇને સોંપી દેવો જોઈએ. એ ઉપરાંત કેસની તપાસમાં કેન્દ્રીય તપાસ સંસ્થાને સહકાર આપવાનો મુંબઈ પોલીસને આદેશ આપવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.’ 

પ્રાઇવેટ જેટ અને હોટેલ ઉપરાંત આઇલૅન્ડ પણ ખરીદવા માગતી હતી રિયા ચક્રવર્તી

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી લોકો તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને સોશ્યલ મીડિયા પર સતત ટ્રોલ કરી રહ્યા હતા. હવે સોશ્યલ મીડિયા પર રિયાનો વધુ એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાનાં સપનાંની વાત કહી રહી છે. 

રિયાનો આ વાઇરલ વિડિયો તેના એક ઇન્ટરવ્યુનો છે, જેમાં તે પોતાના જીવનમાં શું-શું કરવા માગે છે એ પૂછવામાં આવ્યું હતું. એના જવાબમાં તેણે આઇલૅન્ડ, પ્રાઇવેટ જેટ અને હોટેલ ખરીદવાની વાત કરી હતી. વિડિયોમાં રિયા એમ કહેતી જોવા મળે છે કે
મને હોટેલ ખૂબ ગમે છે એટલે હું એ હોટેલ ખરીદવા માગું છું.

સુશાંત આત્મહત્યા કેસમાં અજિત પવારના પુત્ર પાર્થની ટિપ્પણી : ભુજબળે વાત ટાઢી પાડી

અજિત પવારના પુત્ર પાર્થે સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ દ્વારા તપાસની કરેલી માગણીના અનુસંધાનમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના મોભી પવાર કુટુંબમાં વિખવાદની ચર્ચાઓને પક્ષના નેતા છગન ભુજબળે નકામી ગણાવી હતી. મહારાષ્ટ્રના અન્ન તથા નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા છગન ભુજબળે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે સુશાંત કેસ વિશે જે કહેવાનું હતું એ કહી દીધા પછી પાર્થ પવારે એ બાબતે ટિપ્પણ કરવાની જરૂર નહોતી. પાર્થ પવાર રાજકારણમાં નવોદિત છે. એથી તેમનાથી બોલાઈ ગયું હશે. પાર્થના એ સાર્વજનિક બયાનથી તેમના પિતા અજિત પણ નારાજ નથી. પવાર પરિવારમાં મતભેદ કે વિખવાદ જેવું કંઈ નથી. પવાર કુટુંબમાં સુમેળભર્યા સંબંધો છે.’ 

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનો વિવાદ : સુપ્રિયા સુળે અજિત પવારને મળ્યાં

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં સંસદસભ્ય સુપ્રિયા પાટીલ ગઈ કાલે રાજ્ય સરકારના મુખ્યાલય મંત્રાલય ખાતે તેમના પક્ષના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મળ્યાં હતાં. પંદરેક મિનિટની મુલાકાત બાદ સુપ્રિયા પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે મારા લોકસભા મતક્ષેત્ર બારામતીનાં સાર્વજનિક કાર્યો બાબતે વાતચીત માટે હું અજિતદાદાને મળી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ દ્વારા તપાસની માગણી કરવા બદલ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે બુધવારે અજિત પવારના પુત્ર પાર્થ પવારને સાર્વજનિક સ્તરે ઠપકો આપ્યો હતો. એ ઘટનાક્રમોને પગલે ગઈ કાલની સુપ્રિયા અને અજિતદાદાની મુલાકાત તરફ લોકોનું ધ્યાન દોરાયું હતું. 

શરદ પવારે બુધવારે જણાવ્યું હતું કે સુશાંત કેસની તપાસ સીબીઆઇને સોંપવાની પાર્થ પવારની માગણીને મહત્ત્વ આપવું ન જોઈએ. તેમણે પાર્થ પવારને નવોદિત ગણાવતાં જણાવ્યું હતું કે ‘સુશાંત કેસ હોય કે અન્ય કેસ હોય, એની તપાસ બાબતે મને મુંબઈ પોલીસમાં પૂર્ણ વિશ્વાસ છે. તેમ છતાં જો કોઈ સીબીઆઇ દ્વારા એ કેસની તપાસ કરાવવા ઇચ્છતા હોય તો તેમની એ માગણી સામે હું વિરોધ કરવાનો નથી.’
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખની એ ટિપ્પણી પછી લોકો એ રાજકીય પક્ષની સ્થિતિ અને પવારપરિવારના આંતરિક સબંધો વિશે તર્કવિતર્કો કરવા માંડ્યા હતા. શરદ પવારની એ ટ‌િપ્પણીના થોડા કલાકો પછી અજિતદાદા તેમને મળવા તેમના ઘરે ગયા હતા.

bollywood mumbai mumbai news rhea chakraborty sushant singh rajput