પાર્ટી કરજો, પણ જરા સંભલ કે...

28 December, 2022 10:20 AM IST  |  Mumbai | Faizan Khan

...કારણ કે કોવિડનો ભય માથા પર ઝળૂંબી રહ્યો હોવા છતાં બ્રીથલાઇઝર્સ પાછાં આવી ગયાં છે : મુંબઈ પોલીસે થર્ટીફર્સ્ટની નાઇટમાં બ્રીથલાઇઝરનો બહોળો ઉપયોગ કરવાની તૈયારી કરી લીધી છે

૨૨ ડિસેમ્બરે ગોરેગામમાં ૩૦ વર્ષના યુસુફ અમજદને નશાની હાલતમાં ડ્રાઇવ કરતાં પકડ્યો હતો. (તસવીર : પ્રદીપ ધિવાર)

દેશમાં કોવિડનો પ્રવેશ થઈ ચૂક્યો છે એવામાં મુંબઈ ટ્રાફિક પોલીસ નવા વર્ષની પૂર્વસંધ્યાએ દારૂના નશામાં ડ્રાઇવ કરનારાઓને ઝડપવા માટે બ્રીથલાઇઝર સાથે મેદાનમાં ઊતરી છે. કોવિડ-19 તેમ જ સરકારની માર્ગદર્શિકાને કારણે છેલ્લાં બે વર્ષથી બ્રીથલાઇઝરનો ઉપયોગ કરવામાં નહોતો આવી રહ્યો. જોકે આ વર્ષે આવા કોઈ પ્રતિબંધ ન હોવાથી લોકો મુક્ત બનીને ઉજવણી કરશે એવામાં પોલીસ વિભાગની જવાબદારી વધી જાય છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તેમ જ અઘટિત બનાવ રોકવા માટે શહેરમાં ઠેકઠેકાણે પોલીસ તહેનાત કરવામાં આવી છે.

છેલ્લાં બે વર્ષમાં કોવિડનાં નિયંત્રણોનું પાલન કરાવતાં અનેક પોલીસ અધિકારીઓએ જીવ ગુમાવ્યા છે. આ વર્ષો દરમ્યાન પોલીસ વિભાગમાં કોવિડ ન પ્રસરે એ હેતુથી બ્રીથલાઇઝરનો ઉપયોગ બંધ હતો. જોકે હવે પોલીસ અધિકારીઓ બ્રીથલાઇઝરનો ઉપયોગ કરતી વખતે પૂરતી તકેદારી રાખવા ઉપરાંત હૅન્ડ સૅનિટાઇઝરનો ઉપયોગ કરશે.

આ ઉપરાંત કાયદો-વ્યવસ્થાના જૉઇન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરીના આદેશ મુજબ નવા વર્ષની ઉજવણી વખતે મુંબઈ પોલીસ ફુટ પૅટ્રોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. લોકો બે વર્ષ બાદ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે એ બાબતને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

પોલીસ-પૅટ્રોલિંગ ઉપરાંત આતંકવાદ વિરોધી સ્ક્વૉડ, ઈવ ટીઝિંગ સ્ક્વૉડ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ, નિર્ભયા પથક પણ શહેરનાં મહત્ત્વનાં સ્થળોએ તહેનાત કરવામાં આવી છે. 

mumbai mumbai news coronavirus covid19 mumbai police new year faizan khan