કૃષિ કાયદામાં પીછેહઠ સત્તાના ઘમંડની હાર છે : શિવસેના

21 November, 2021 02:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્ર દ્વારા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાની કરાયેલી જાહેરાતને સત્તાના ઘમંડની હાર ગણાવતાં શિવસેનાએ ગઈ કાલે કહ્યું હતું કે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આવી રહેલી ચૂંટણીમાં હારના ભયે બીજેપીએ આ જાહેરાત કરી હતી. 

ફાઇલ ફોટો

શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં કૃષિ કાયદો પાછો ખેંચવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતને ખેડૂતોની એકતાનો વિજય ગણાવતાં વધુમાં ઉમેરાયું હતું કે બીજેપીએ દાખવેલું આ ડહાપણ તાજેતરમાં ૧૩ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પક્ષને મળેલી હારનું પરિણામ છે. 
શુક્રવારે સવારે રાષ્ટ્રને કરેલા સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા એક વર્ષથી કેન્દ્રમાં ખેડૂતોના વિરોધનું કારણ બનેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાના કેન્દ્રના નિર્ણયની જાહેરાત કરી હતી. 
કેન્દ્ર સરકારે વિરોધ પક્ષોના અવાજને દબાવીને સંસદમાં ત્રણ કૃષિ કાયદા મંજૂર કરાવ્યા હતા. કેન્દ્રએ ખેડૂતોના વિરોધની સદંતર અવગણના કરી હતી. વિરોધના સ્થળે પાણી અને વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. સંઘર્ષ દરમ્યાન વિરોધ કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની, પાકિસ્તાની અને આતંકવાદીઓ ગણાવવામાં આવ્યા હોવાનું શિવસેનાએ જણાવ્યું હતું.  

mumbai news mumbai shiv sena