19 June, 2025 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વીરેન ઉમેદલાલ મહેતા જે ‘VU સર’ના નામે જાણીતા છે
એક સાચો શિક્ષક નિવૃત્ત થઈને પણ નિવૃત્ત થતો નથી. એ તેની નિવૃત્તિ દરમ્યાન પણ વિદ્યાર્થીઓનાં ભણતર અને હિત વિશે સતત વિચારાધીન રહે છે અને પોતાની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન થકી વિદ્યાર્થીઓની મદદ કરવા ઇચ્છે છે. એનું ઉદાહરણ છે ઘાટકોપરમાં રહેતા વીરેન ઉમેદલાલ મહેતા. જે ‘VU સર’ના નામે જાણીતા છે. તેમણે ICSE બોર્ડમાં ભણતા દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે મૅથ્સ જેવો અઘરો વિષય સરળ અને સ્કોરિંગ બને એ માટે એક પુસ્તકનું નિર્માણ કર્યું છે અને એ પુસ્તક ICSE બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓ કે એ વિષયના શિક્ષકોને તેઓ વિનામૂલ્ય ડિસ્ટ્રિબ્યુટ કરવા માગે છે.
એક સમયે ઘાટકોપરની જાણીતી VU’s ઍકૅડેમી ચલાવતા VU સર પોતે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારથી શિક્ષક બનીને બાળકોને ભણાવતા આવ્યા છે. કુલ ૩૩ વર્ષ જેવો બહોળો અનુભવ ધરાવતા VU સરના હાથ નીચેથી હજારો વિદ્યાર્થીઓ ભણીને આગળ વધ્યા છે. પંચાવન વર્ષની ઉંમરે તેમણે શિક્ષક તરીકે નિવૃત્તિ લઈ લીધી અને એનાં દસેક વર્ષ પછી તેમના ક્લાસિસ પણ તેમણે બંધ કર્યા હતા. જોકે એક શિક્ષક ક્યારેય નિવૃત્ત થઈ શકતો નથી એ વાતને સાર્થક કરતા બનેલા બનાવને વ્યક્ત કરતાં VU સર કહે છે, ‘મારી નાની દીકરીના દીકરાને ગયા વર્ષે મારી પાસેથી જ મૅથ્સ ભણવું હતું એટલે તેના માટે તૈયાર કરેલી નોટ્સનું ૩૫૦ પાનાંનું એક મટીરિયલ તૈયાર થયું હતું જે મારા દોહિત્રએ તેના એક મિત્રને બતાવ્યું. તે મિત્રના પપ્પા મારા જ વિદ્યાર્થી નીકળ્યા અને તેણે એવો પ્રસ્તાવ મૂક્યો કે આ અમૂલ્ય ખજાનાને પુસ્તકનું રૂપ આપવું જોઈએ જેના થકી ઘણા વિદ્યાર્થીઓની મદદ કરી શકાય. મને એ પ્રસ્તાવ ગમી ગયો અને મેં આ પુસ્તક બનાવ્યું.’
ICSEના મૅથ્સ માટેનાં ઘણાં પુસ્તકો બજારમાં મળે છે. એ બધાં પુસ્તકોથી VU સરનું પુસ્તક કઈ રીતે અલગ છે? એનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘મારો આટલાં વર્ષોનો અનુભવ કહે છે કે વિદ્યાર્થીઓને જે ક્લિયર હોવું જોઈએ એ છે મૅથ્સના કન્સેપ્ટ્સ. એક જેવા ૧૦૦ દાખલા ગણીને ગણિત નહીં આવડે. એનો કન્સેપ્ટ સમજશો તો એના જેવા ૧૦૦૦ દાખલા પણ આવડશે. એટલે મેં કન્સેપ્ટ ક્લિયર કરવા પર ભાર આપ્યો છે. આ પુસ્તક મારી ૩૩ વર્ષની શિક્ષક તરીકેની કારકિર્દીનો નિચોડ છે એમ તમે કહી શકો. મૅથ્સ જેવો વિષય સામાન્ય રીતે વિદ્યાર્થીઓને બોરિંગ લાગતો હોય છે એને રસપ્રદ બનાવવાના મેં પૂરા પ્રયત્ન કર્યા છે. મારું પુસ્તક વિદ્યાર્થી હાથમાં લેશે તો મૂકશે નહીં એની મને ખાતરી છે.’
આ પુસ્તક નિ:શુલ્ક આપવાનું કારણ શું? એનો જવાબ આપતાં VU સર કહે છે, ‘શિક્ષણને મેં જ્યારથી કારકિર્દી બનાવી છે ત્યારથી આજ સુધી મારા વિદ્યાર્થીઓએ મને ખૂબ પ્રેમ અને આદર આપ્યા છે. ઉંમરના આ પડાવે મને પૈસાની અપેક્ષા નથી. કોઈ દસમા ધોરણમાં નાપાસ થવાનો હોય એવો છોકરો પાસ થઈ જાય, કોઈ ૮૦ ટકા લાવવાનું હોય એને બદલે તેને ૯૫ ટકા આવે, મૅથ્સથી ગભરાતા હોય એવા કોઈ સ્ટુડન્ટને મારા પુસ્તકને લીધે ગણિત સાથે પ્રેમ થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિઓની અપેક્ષા સાથે હું આ પુસ્તકનું વિતરણ કરી રહ્યો છું. એ જ મારા માટે સાચું વળતર સાબિત થશે.’
આ પુસ્તકની વિશેષતાઓ
વાંચવી ગમે એવી ફૉન્ટ સાઇઝ
3D ઇફેક્ટ આપતી ઘણી આકૃતિઓ
જરૂર પૂરતાં સૉલ્વ કરેલાં ઉદાહરણો અને પ્રૅક્ટિસ માટે દાખલાઓ
અગત્યના મુદ્દાઓ અને જરૂરી સૂત્રોને અલગ તારવીને બનાવેલાં બૉક્સ
શિક્ષકોને અતિ ઉપયોગી થાય એવો એક લેખ
પ્રકરણના અંતે મૅથ્સ પર મૌલિક સુવાક્યો
દરેક શિક્ષકને તેમની મહત્તા સમજાવતી એક કવિતા
કેવી રીતે મેળવશો આ પુસ્તક?
VU સરનું આ પુસ્તક નિ:શુલ્ક મેળવવા માટે વિદ્યાર્થી પોતાના આઇ-કાર્ડ સાથે સંપર્ક કરે...
સરનામું : જૈન જાગૃતિ સેન્ટર, શૉપ નંબર-૨, SVDD સ્કૂલની નીચે, હિંગવાલા લેન, ઘાટકોપર-ઈસ્ટ
તારીખ : ૧૯-૨૦-૨૧ જૂન (ગુરુ-શુક્ર-શનિ)
સમય : સાંજે ૫.૦૦થી ૭.૦૦