પાલઘરમાં જળાશયોનાં ક્ષેત્રોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ

06 July, 2020 12:35 PM IST  |  Mumbai Desk | Agencies

પાલઘરમાં જળાશયોનાં ક્ષેત્રોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

જવ્હાર તાલુકાના કલમાનદેવી જળધોધના વિસ્તારમાં સેલ્ફી લેવાના પ્રયાસમાં પાંચ જણે જીવ ગુમાવ્યાની ઘટનાને પગલે પાલઘર જિલ્લામાં નદીઓ, જળધોધ, તળાવો, બંધો, દરિયાકિનારા, કિલ્લા વગેરે જળક્ષેત્રોમાં સહેલગાહ કે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુંબઈ, થાણે, પાલઘર વગેરે ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે જળક્ષેત્રો છલકાઈ રહ્યાં છે અને ચોમાસાની મોજ માણવા માટે સહેલાણીઓ એ સ્થળો પર ભેગા થઈ રહ્યા છે. બે દિવસ પહેલાં કલમાનદેવી જળધોધ ક્ષેત્રમાં સૅલ્ફી લેવા ગયેલા પિકનિકર્સ વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.
જિલ્લા પ્રશાસને બહાર પાડેલા પ્રતિબંધક આદેશનો ભંગ કરનારાઓ સામે ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કૈલાસ શિંદેએ જણાવ્યું હતું કે ‘ચોમાસું દુર્ઘટનાઓ જોખમની ઘંટડી વગાડે છે. એમાં કોરોના રોગચાળા સામે ઝઝુમતા સરકારી તંત્ર અને સમાજને આવી દુર્ઘટનાઓ બળતાંમાં ઘી હોમવા સમાન બને છે. સહેલાણીઓ એ સ્થળો પર ધસારો કરે તો લૉકડાઉનના નિયમો અને એપિડેમિક ડિસીઝ અૅક્ટ બન્નેનો ભંગ કરે છે.’

mumbai mumbai news palghar