મલાડ-વેસ્ટના સુંદરનગર ગાર્ડનની અંદર બની રહેલા મંદિરનું બાંધકામ રહેવાસીઓએ અટકાવ્યું

19 April, 2026 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંદિર બનાવવા માટે કાયદેસરની પરવાનગી છે? એવો સવાલ કરીને BMC અને પોલીસની મદદ લીધી

પ્રતીકાત્મક તસવીર

મલાડ-વેસ્ટમાં એસ. વી. રોડ પર ગોરેગામ તરફ જતા સુંદરનગરમાં વર્ષો જૂનું સુંદરનગર ગાર્ડન આવેલું છે જેમાં અનેક દાયકાઓ જૂનાં મોટાં-મોટાં ઝાડ-પાન આવેલાં છે. એ ગાર્ડનની અંદર એક મંદિરનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હોવાથી ત્યાંના રેસિડેન્શિયલ વેલ્ફેર અસોસિએશને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નો સંપર્ક કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તેમણે એ ગાર્ડનની અંદર મંદિર બાંધવાની પરવાનગી આપી છે? BMCના નિયમ મુજબ ગાર્ડનની અંદર પાકું સિમેન્ટ-કૉન્ક્રીટનું બાંધકામ કરવું ગેરકાયદે છે. વળી જો મંદિર બની જાય તો બીજા લોકો પણ આ રીતે મંદિર ઊભું કરવાનો પ્રયાસ કરે એવી શક્યતા હોવાથી અસોસિએશને આ પગલું લીધું હતું.

રેસિડેન્શિયલ વેલ્ફેર અસોસિએશનનું કહેવું હતું કે આ દાયકાઓ જૂનો મોટો બગીચો છે અને એમાં ૬૦ વર્ષ જેટલાં જૂનાં ઝાડ-પાન છે. વળી એના પર અનેક પક્ષીઓના માળા છે. ગાર્ડનમાં કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કરવું એ કાયદાનું ઉલ્લંઘન છે અને એનાથી ત્યાંના રહેવાસીઓને હેલ્થને લગતી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. અસોસિએશને આ બાબતની જાણ BMC અને પોલીસને કરતાં પોલીસ સાથે BMCના અધિકારીઓ ગાર્ડનમાં પહોંચી ગયા હતા અને એ બાંધકામ અટકાવી દીધું હતું. બાંધકામ કરનારને એ માટેની પરવાનગીઓ મેળવી હોય તો એ આપવા જણાવવામાં આવ્યું છે. 

mumbai news mumbai malad brihanmumbai municipal corporation mumbai police