કાળઝાળ ગરમીમાં વીજળી બની વેરણ

10 June, 2023 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિક્રોલી-ઈસ્ટના ટાગોરનગરના રહેવાસીઓ છેલ્લા ૧૫ દિવસથી કરી રહ્યા છે લાઇટ જવાની સમસ્યાનો સામનો: ક્યારેક રાતે ૧૧ વાગ્યે તો ક્યારેક સવારે કલાકો સુધી જતી રહે છે : સતત ફરિયાદો પછી મળ્યો છુટકારો

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : કાળઝાળ ગરમીમાં વેસ્ટર્ન સબર્બ્સમાં મલાડ અને કાંદિવલી-વેસ્ટના મહાવીરનગર અને દહિસર પછી હવે ઈસ્ટર્ન સબર્બ્સમાં વિક્રોલી-ઈસ્ટના ટાગોરનગરના રહેવાસીઓ છેલ્લા ૧૫ દિવસથી લાઇટ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ક્યારેક રાતના ૧૧ વાગ્યે તો ક્યારેક સવારે લાઇટો કલાકો સુધી બંધ થઈ જાય છે. નવાઈની વાત એ છે કે આ વિસ્તારના રહેવાસીઓ અદાણી પાવરમાં ફરિયાદ કરે એટલે થોડા સમયમાં લાઇટો પાછી આવી જાય છે. સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અત્યારના ભયંકર ઉકળાટમાં લાઇટની આ આવનજાવનની રમતથી અમે ત્રાસી ગયા છીએ. અમારી ફરિયાદોની સામે અમને સતત અદાણી પાવરની કસ્ટમર કૅર સર્વિસમાંથી એવો જવાબ મળતો હતો કે પાવર યુટિલિટી અને કન્ઝમ્પ્શન વધી જવાથી ફેઝ પર દબાણ આવતું હોવાથી લાઇટો જતી રહે છે. નવાઈની વાત તો એ છે કે અમારી સતત ફરિયાદો પછી છેલ્લા ૪૮ કલાકથી અમારા વિસ્તારોમાં લાઇટ જવાની મુસીબતમાંથી અમને છુટકારો મળ્યો છે.’ 
અમારે ત્યાં રોજ રાતના ૧૧ વાગ્યે લાઇટો બંધ થઈ જાય છે એમ જણાવીને સ્થાનિક રહેવાસી કોમલ િત્રવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટાગોરનગરમાં રોજ રાતના એક ફેઝની લાઇટો બંધ થઈ જાય છે. અમારા વિસ્તારમાં વધારે લોકો નોકરિયાત છે. તેઓ સવારના વહેલા ઊઠીને કામ પર જતા હોય છે. તેઓ રાતના થાકીને સૂવાની તૈયારી કરતા હોય એ જ સમયે લાઇટો બંધ થઈ જવાથી શાંતિની નીંદર લઈ શકતા નથી. અત્યારે બહાર પણ પવન ન હોવાથી રાત આખી ઉકળાટમાં જ પસાર કરવી પડે છે. એની અસર અમારાં નાનાં બાળકો અને સિનિયર સિટિઝનોની હેલ્થ પર થાય છે. જોકે અમને આ સમસ્યાનો ઉકેલ મળતો જ નથી. પહેલાં થોડા દિવસ રાતના લાઇટો જતી હતી, પણ છેલ્લા બે-ત્રણ દિવસથી દિવસે લાઇટો બંધ થઈ જાય છે એટલે રસોડાનાં કામ પણ થતાં નથી.’
અમે કસ્ટમર કૅરમાં અનેક વાર ફરિયાદો કરી છે એમ જણાવીને કોમલ િત્રવેદીએ કહ્યું હતું કે ‘અમારી ફરિયાદ જતાં જ થોડા સમયમાં લાઇટો આવી જાય છે. પહેલાં આવતી-જતી હતી. પછી સાવ જ બંધ થઈ જવા લાગી. પછી સમય બદલાઈ ગયો. આ બધી ફરિયાદ કરતાં અમને કસ્ટમર કૅરમાંથી કહેવામાં આવ્યું છે કે લાઇટ જવાનું કારણ લોડશેડિંગ છે. એક ફેઝ પર લોડ આવી જતો હોવાથી લાઇટો આવ-જા કરે છે. આના માટે નવો ફેઝ નાખવો પડશે. અમને અમારા વિસ્તારના અદાણી પાવરના એક એન્જિનિયરનો ફોન આવ્યો હતો. તેના કહેવા પ્રમાણે કન્ઝમ્પ્શન વધી ગયું હોવાથી અને ઉનાળાને કારણે એસી તેમ જ પંખા સતત ચાલુ રહેતા હોવાથી પીક-અવર્સમાં લોડ વધી જાય છે, જેને કારણે ફેઝ બંધ થઈ જાય છે. જ્યાં સુધી નવો ફેઝ નાખવામાં નહીં આવે ત્યાં સુધી અમારે આ સમસ્યાનો સામનો કરવો પડશે. નવાઈની વાત તો એ છે કે અમારા રોજિંદા જીવનમાં અમે કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર જ છેલ્લા ૪૮ કલાકથી અમારા વિસ્તારમાં લાઇટ જવાની ફરિયાદ નથી.’
આજકાલ જોવા મળે છે કે અનેક ઉપનગરોમાં પાવર ફ્લક્ચ્યુએશનની ફરિયાદો છે અને મુંબઈગરાઓ માટે વીજળી જાય ત્યારે જીવવાનું અસહ્ય બની જાય છે. અદાણી પાવરને જ્યારે પૂછવામાં આવ્યું કે આનું કારણ શું છે? વધુ પડતી માગ કે વધુ લોડિંગ? એના જવાબમાં અદાણી પાવરના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અદાણી ઇલેક્ટ્રિસિટી મોટા ભાગે ભૂગર્ભ વીજળી વિતરણ નેટવર્ક ધરાવે છે, જેને કારણે અમારે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. અત્યારે મુંબઈ અને ઉપનગરોમાં ચાલી રહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરોનાં કામોના તીવ્ર સ્કેલને કારણે ખોદકામ દરમિયાન ઇલેક્ટ્રિક કેબલને નુકસાન થાય છે. કેબલોને થતાં નુકસાનને કારણે ઉનાળામાં ખામીઓ વધી રહી છે. જોકે એના નિરાકરણ માટે અમારા ઑન-ગ્રાઉન્ડ પાવર વૉરિયર્સ અવિરત પ્રયાસો કરે છે અને જટિલ લોડને અસર ન થાય એની ખાતરી કરીને વૈકલ્પિક સ્રોતોમાંથી સરેરાશ ૩૦ મિનિટમાં ગ્રાહકોને ઝડપી પાવર પુનઃસ્થાપિત કરી રહ્યા છે.’

mumbai news vikhroli