કોરોનાને કારણે દહિસરની આ સોસાયટીના રહેવાસીઓ ઊજવશે ડિજિટલ રક્ષાબંધન

01 August, 2020 10:35 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોનાને કારણે દહિસરની આ સોસાયટીના રહેવાસીઓ ઊજવશે ડિજિટલ રક્ષાબંધન

ડિજિટલ રક્ષાબંધન

દહિસર-ઈસ્ટના આનંદનગરની દહિસર જય ગોકુલ કો-ઑપરેટિવ સોસાયટીમાં કોરોનાના કેસ વધતાં એને સીલ કરવાની નોટિસ પાલિકાએ આપી છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ ‌મહિનામાં ૩ ઑગસ્ટે રક્ષાબંધન આવે છે. સોસાયટી સીલ કરવામાં આવી છે ત્યારે ગોકુલ સોસાયટીનાં ભાઈ-બહેનોને આ વખતે ડિજિટલ રક્ષાબંધન ઊજવવાનું કહેવામાં આવ્યું છે. સોસાયટીમાં બહારની કોઈ વ્યક્તિ અંદર નહીં આવી શકે.

આનંદનગરની ગોકુલ સોસાયટીના સેક્રેટરી સંકલ્પ વોરાએ આ સંદર્ભે કહ્યું કે ‘લૉકડાઉન ચાલુ થયા પછી અમારી સોસાયટીમાં કોરોનાના કેસ આવ્યા છે. દોઢ-બે મહિના પહેલાં અમારી સોસાયટીના એક સભ્ય જેઓ પહેલેથી જ કૅન્સર-પેશન્ટ હતા તેમની તબિયત લથડતાં હૉસ્પિટલાઇઝ્‍ડ કરાયા હતા. બીજા દિવસે તેમનું નિધન થયું હતું, પણ ડૉક્ટરોએ કહ્યું હતું કે તેમનું મૃત્યુ કોરોનાને કારણે થયું છે. બીજા કેસમાં એક ભાઈને કિડનીની તકલીફ હતી અને તેમનું મૃત્યુ પણ કોરોનાને કારણે થયું હોવાનું કહેવાયું. તેમનાં વાઇફ એ પછી ઍડ્મિટ થયાં હતાં. તેઓ ૧૪ દિવસ ક્વૉરન્ટીન થઈને સારવાર લીધા બાદ સાજાં થઈને પાછાં આવી ગયાં છે. ત્રીજા કેસમાં એક મહિલાને કિડનીની તકલીફ છે અને તેમણે અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસ કરાવવું પડે છે. તેઓ હાલમાં જોગેશ્વરી-ઈસ્ટમાં પ્રબોધનકાર ઠાકરે ટ્રૉમા સેન્ટરમાં સારવાર લઈ રહ્યાં છે. તેમના ૧૪ દિવસ પૂરા થઈ ગયા છે, પણ ડૉક્ટરોએ હાલમાં તેમને ઑબ્ઝર્વેશન હેઠળ રાખ્યાં છે. હીરાના એક વેપારી સુરત ગયા હતા તેઓ ત્યાંથી આવ્યા ત્યારે તેમને તકલીફ થવા માંડતાં તેઓ તરત બીજા જ દિવસે હૉસ્પિટલાઇઝ્‍ડ થઈ ગયા હતા અને કોરોનાની ટ્રીટમેન્ટ લઈને સાજા થયા બાદ પાછા ગામ ચાલ્યા ગયા છે. હાલમાં સોસાયટીમાં કોઈ પણ હાઈ રિસ્ક પેશન્ટ નથી.’ 

તેમણે વધુમાં કડ્યું કે ‘૨૨ જુલાઈએ બીએમસીએ અમારી સોસાયટીમાં મેડિકલ કૅમ્પનું આયોજન કર્યું હતું, પણ એમાં કોરોનાનો કોઈ કેસ ડિટેક્ટ થયો નથી છતાં અમે પૂરતી કાળજી લઈએ છીએ. મહિલાઓને તથા સિનિયર સિટિઝન્સને ભેગાં થઈને વાતો કરવાની મનાઈ ફરમાવાઈ છે. સોસાયટીમાં ઇન્ટરકૉમ છે અને બધા મેમ્બર્સ એના પર વાત કરી લે છે. હૅન્ડવૉશ અને સૅનિટાઇઝર પણ રાખ્યાં છે. વૃદ્ધ અને હૅન્ડિકૅપ્ડ વ્યક્તિને સોસાયટીની બહાર જવા કે નીચે ઊતરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમને કોઈ ચીજવસ્તુ જોઈતી હોય તો તેઓ ઑનલાઇન મગાવી લે છે. વૉચમૅન લિફ્ટમાં વસ્તુ મૂકી દે અને લોકો એ કલેક્ટ કરી લે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. એટલે આ વખતે હાલમાં લૉકડાઉન દરમ્યાન જે રીતે હૅપી બર્થ-ડેની ઉજવણી કરતા હતા એ જ રીતે રક્ષાબંધનની ઉજવણી પણ ડિજિટલ કરવાનું નક્કી કર્યું છે. બહારની કોઈ વ્યક્તિને સોસાયટીમાં એન્ટ્રી આપવાના નથી.’

મુંબઈ મહાનગરપાલિકાના ‘આર’ નૉર્થના એક ઓફિસરે કહ્યું કે ‘લોકો જેટલા નિયમ પાળશે એટલું તેમને માટે જ સારું છે. માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સિંગ મેઇન્ટેન કરવું એ બધું બહુ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ નિયમનું પાલન ન કરે અને અવારનવાર કોઈ યોગ્ય કારણ વિના નિયમનો ભંગ કરતો જણાશે તો અમારે તેને જબરદસ્તી ક્વૉરન્ટીન કરવો પડશે. અમે આનંદનગરના શાકભાજીવાળાઓની પણ ચકાસણી કરવાના છીએ. અનેક લોકો તેમની પાસેથી શાકભાજી ખરીદતા હોય છે. એ વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોય તો કોરોના ફેલાવાનો ખતરો હોય છે. આનંદનગરનાં અન્ય બિલ્ડિંગોના રહેવાસીઓની ચકાસણી થઈ છે. જો લોકો નિયમનું પાલન નહીં કરશે તો અમારે નાછૂટકે આખો એરિયા સીલ કરી દેવો પડશે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown dahisar