રહેવાસીઓએ કરવી પડી રહી છે વિલે પાર્લેના ઈશ્વરલાલ પાર્કની જાળવણી

30 December, 2011 09:00 AM IST  | 

રહેવાસીઓએ કરવી પડી રહી છે વિલે પાર્લેના ઈશ્વરલાલ પાર્કની જાળવણી



(ભાવેશ ત્રિવેદી)

વિલે પાર્લે-વેસ્ટના વૉર્ડ ક્રમાંક ૬૫માં આવેલા ઈશ્વરલાલ પાર્કની જાળવણી કરવામાં સુધરાઈ ગલ્લાંતલ્લાં કરી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સુધરાઈને બદલે કેટલીક વાર તો પાર્કમાં કંઈક તૂટ્યું હોય તો રહેવાસીઓ એનું સમારકામ સ્વખર્ચે કરે છે.

વિલે પાર્લે-વેસ્ટના વૉર્ડ ક્રમાંક ૬૫ના એરિયા સભા રિપ્રેન્ઝન્ટેટિવ (એએસઆર) તરીકે ચૂંટાયેલાં હિના શ્રોફે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૧૯૮૬માં સમગ્ર પરિસરમાં જંગલ હતું ત્યારનો આ ઈશ્વરલાલ પાર્ક છે. સ્થાનિક રહેવાસીઓને એવો વિચાર આવ્યો કે આપણા પરિસરમાં ગાર્ડન હોય ને આપણે જ ન જઈ શકીએ તો એનો શું ફાયદો? આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ અમે એક અસોસિએશન તૈયાર કર્યું. અમે ગાર્ડન સ્વચ્છ અને સુંદર બનાવવા પૈસા ભેગા કર્યા અને પાર્કમાં સાત મહિના પહેલાં સ્વખર્ચે સિક્યૉરિટી ગાર્ડ રાખવાનો નર્ણિય લીધો હતો. હાલમાં વૉર્ડ ક્રમાંક ૬૫ના રહેવાસીઓ દરરોજ મૉર્નિંગ-વૉક માટે આવે છે. જોકે છેલ્લાં દસ વર્ષથી સુધરાઈ ઈશ્વરલાલ પાર્કના ઇમ્પ્રૂવમેન્ટ માટે ફન્ડ જ આપતી નથી. કૉન્ટ્રૅક્ટર પાર્કમાં આવીને સમારકામને નામે કોઈ ને કોઈ વસ્તુની તોડફોડ કરી જાય છે. સુધરાઈના ગાર્ડ્ઝ ફક્ત પાર્ક બંધ કરવા અને ખોલવા માટે જ આવે છે. કેટલાક દિવસ પહેલાં જ કૂવામાંથી પાર્કનાં વૃક્ષો પર પાણી નાખવાથી એ સુકાઈ ગયાં હતાં. હકીકત તો એ છે કે કૂવામાંનું ખારું પાણી નાખવાથી વૃક્ષો સુકાઈ ગયાં હતાં. હાલમાં જ કૂવાનું પાણી બંધ કરી સુધરાઈની પાણીની લાઇન શરૂ કરવામાં આવી છે. અનેક વાર કે-વેસ્ટ વૉર્ડમાં આ વિશે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સુધરાઈ આ બાબતને ગંભીરતાથી લેતી નથી.

કેટલીક વાર તો વેસ્ટના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે તો મોટા ભાગે તેઓ રજા પર જ હોય છે. લેખિતમાં તો અમે સુધરાઈમાં ફરિયાદ કરી કરીને થાકી ગયા, પરંતુ હજી સુધી કોઇપણ પ્રકારના પગલાં લેવાતા નથી. અગાઉ પણ કોન્ટ્રાક્ટરો જોગિંગ ટ્રૅક ઉખેડીને ચાલ્યા ગયા હતા. અમે તેનું સમારકામ કરાવ્યું હતું. એવું શ્વેતા શ્રોફે કહ્યું હતું.