રીસેલ પ્રૉપર્ટીની ડિમાન્ડમાં વધારો

15 December, 2012 10:30 AM IST  | 

રીસેલ પ્રૉપર્ટીની ડિમાન્ડમાં વધારો




સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે ઘર ખરીદવા માગતા લોકો નવા અથવા તો અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર જ પસંદગીનો કળશ ઢોળતા હોય છે. જોકે તાજેતરમાં એક ઑનલાઇન ર્પોટલ પરથી મળેલા આંકડાઓનો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે મુંબઈના ૪૩ ટકા જેટલા ગ્રાહકોએ રીસેલ પ્રૉપર્ટી ખરીદવાનું પસંદ કર્યું છે. નિષ્ણાતોના દાવા પ્રમાણે શહેરમાં રીસેલ પ્રૉપર્ટીની ડિમાન્ડમાં વધારો થયો છે એના માટે ઘણાં પરિબળો જવાબદાર છે જે નીચે પ્રમાણે છે:

૧. છેલ્લાં બે વર્ષમાં શહેરમાં મોટા ભાગના બિલ્ડરો સમય પર પઝેશન આપવામાં નિષ્ફળ સાબિત થયા છે અને આ મુદ્દાને કારણે ઘર ખરીદવા માગતા લોકો તરત પઝેશન મળી જાય એવી રીસેલ પ્રૉપર્ટીને પ્રાધાન્ય આપતા થયા છે.

૨. બિલ્ડરો હજી પણ નવી પ્રૉપર્ટીના ભાવમાં ઘટાડો નથી કરવા માગતા. એની સરખામણીએ રીસેલ પ્રૉપર્ટીના ભાવ ઓછા હોય છે. સામાન્ય રીતે રીસેલ પ્રૉપર્ટીના ભાવ નવી પ્રૉપર્ટી કરતાં ૧૦થી ૧૨ ટકા ઓછા હોય છે અને જો રીસેલ પ્રૉપર્ટી દસ વર્ષ કરતાં જૂની હોય તો ભાવનો આ તફાવત ૧૫થી ૨૦ ટકા જેટલો થઈ જાય છે.

૩. ઘણી વાર ગ્રાહકને જે લોકેશનમાં જગ્યા જોઈતી હોય ત્યાં યોગ્ય નવો પ્રોજેક્ટ ન હોવાને કારણે ખરીદદાર રીસેલ પ્રૉપર્ટીની પસંદગી કરે છે.

૪. નવી પ્રૉપર્ટીમાં કારણ વગરના અનેક ખર્ચા કરવામાં આવ્યા હોય છે જેને કારણે નવી પ્રૉપર્ટીની સરખામણીમાં રીસેલ પ્રૉપર્ટીનું મેઇન્ટનન્સ ઓછું હોય છે.

રીસેલ પ્રૉપર્ટી ખરીદવાના ફાયદા-ગેરફાયદા


ફાયદા

તમે જે પ્રૉપર્ટી ખરીદવાના છો એના એરિયાનું બરાબર નિરીક્ષણ કરી શકો છો.

પ્રૉપર્ટીનું ટાઇટલ ક્લિયર હોય તો તમને તરત જ પઝેશન મળી શકે છે.

જો તમે રહેવા માટે ઘર ખરીદી રહ્યા હો તો રીસેલમાં લીધેલી પ્રૉપર્ટીમાં તરત રહેવા જઈને ભાડું બચાવી શકો છો અને રોકાણ માટે રીસેલ પ્રૉપર્ટી ખરીદી રહ્યા હો તો તરત એને ભાડે આપીને આવક ઊભી કરી શકો છો.

એરિયા અને જગ્યાના રેટમાં સંપૂર્ણ સ્પષ્ટતા હોય છે. સામાન્ય રીતે રીસેલ પ્રૉપર્ટીના રેટમાં કાર્પેટ એરિયાના આધારે તમામ ખર્ચનો સમાવેશ થઈ ગયો હોય છે.

ગેરફાયદા

તમારે બિલ્ડરને હપ્તામાં રકમ ચૂકવવાની હોય છે, પણ રીસેલ પ્રૉપર્ટી ખરીદતી વખતે માલિકને એકસાથે બધી રકમ આપવી પડે છે.

રીસેલ પ્રૉપર્ટીમાં કદાચ થોડા સમારકામની જરૂર પડે છે.

તમારે પ્રૉપર્ટી કોઈ વિવાદમાં તો ફસાયેલી નથીને એની પોતાની મેળે સંપૂર્ણ ચકાસણી કરવી પડે છે.

તમારે પ્રૉપર્ટીનું ટાઇટલ ક્લિયર તો છેને એની પણ તપાસ કરવી પડે છે.