‘ગણપતિની ૧૪ ફુટની મૂર્તિ લાવવા દો અમને’

05 July, 2020 12:00 PM IST  |  Mumbai | Agencies

‘ગણપતિની ૧૪ ફુટની મૂર્તિ લાવવા દો અમને’

(ફાઇલ ફોટો)

કિંગ્સ સર્કલ વિસ્તારમાં આવેલા જીએસબી સેવા મંડળે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી ગણપતિની પ્રતિમાની ઊંચાઈ પરંપરાગત ૧૪ ફુટ જાળવી રાખવાની પરવાનગી આપવા વિનંતી કરી છે. ગણેશોત્સવ ૨૨ ઑગસ્ટથી શરૂ થઈ રહ્યો છે.
કોરોના વાઇરસના પ્રસાર વચ્ચે લૉકડાઉનના નિયમોનું પાલન કરવા તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવા રાજ્ય સરકારે જીએસબી સેવા મંડળને ગણેશજીની પ્રતિમાનું કદ ઘટાડીને ૪ ફુટ કરવા તેમ જ ગણેશોત્સવની તમામ ઉજવણી રદ કરવાનો આદેશ આપ્યો હતો.
જીએસબી સેવા મંડળના ટ્રસ્ટી આર. જી. ભટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ પૂર્વ-મોલ્ડ કરેલાં સોના અને ચાંદીનાં આભૂષણોથી શણગારેલી હોવાથી ઊંચાઈમાં ફેરફાર કરવાથી સમસ્યા ઊભી થશે. ગણેશજીની પ્રતિમાને આ વખતે વિસર્જિત નહીં કરાય, દર્શનની વ્યવસ્થા ઑનલાઇન કરવામાં આવશે તેમ જ પ્રસાદનું વિતરણ ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ મારફત કરવામાં આવશે. ગણેશજીની પ્રતિમા માટીમાંથી તૈયાર કરાશે તથા એનું વિસર્જન ગણતરીના ભક્તો સાથે મળીને કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે. સોશ્યલ ડિસ્ટન્સિંગનાં તમામ ધોરણોનું પાલન કરવામાં આવશે.
કોવિડ-19 મહામારીના પ્રકોપને ધ્યાનમાં રાખીને મુંબઈના જાણીતા લાલબાગચા રાજાના આયોજકોએ ગણેશોત્સવની તમામ ઉજવણી રદ કરવાની જાહેરાત કરી છે, જ્યારે વડાલાની જીએસબી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ તમામ ઉજવણી આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી પાછળ ઠેલી છે.

mumbai mumbai news