ધાર્મિક સ્થળો પ્રાર્થનાઓ માટે સુસજ્જ

28 June, 2020 09:06 AM IST  |  Mumbai | Gaurav Sarkar

ધાર્મિક સ્થળો પ્રાર્થનાઓ માટે સુસજ્જ

ફાધર નાઇજેલ બૅરેટ, એરવદ કૈઝાદ કરકરિયા

કોરોના વાઇરસના રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનની પૂર્ણાહુતિની દિશામાં મહત્ત્વની જાહેરાતો ૩૦ જૂને કરવાના ભણકારા વચ્ચે સ્પષ્ટ સૂચનાઓના અભાવે દરગાહ, અગિયારી, ચર્ચ, મંદિરો વગેરે ધાર્મિક સ્થળો ખાતે સૅનિટાઇઝેશન સહિતનાં સુરક્ષાત્મક પગલાંની તૈયારી કરવામાં આવી છે. રોગચાળા સામે રક્ષણની વ્યવસ્થા અને તકેદારી વચ્ચે રોજિંદી પ્રવૃત્તિઓના સંચાલન વિશે પણ વિચારણા ચાલે છે. ધાર્મિક પ્રાર્થનાસ્થળોના સંચાલકોએ રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ સૂચના ન અપાય ત્યાં સુધી રોજિંદી પ્રવૃત્તિ શરૂ નહીં કરવાનું નક્કી કર્યું છે. 

સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ચૅરમૅન આદેશ બાંદેકરે જણાવ્યું કે ‘મુંબઈ રેડ ઝોન રહેશે ત્યાં સુધી ધર્મસ્થળો, પ્રાર્થનાસ્થળો, પૂજા-બંદગીનાં સ્થળો ખુલ્લાં મૂકવામાં નહીં આવે. થર્મલ સ્ક્રીનિંગ અને સૅનિટાઇઝેશન જેવી સુરક્ષાત્મક વ્યવસ્થા માટેનાં સાધનો-યંત્રો ત્રણ-ચાર દિવસમાં ગોઠવી દેવાની ખાતરી આપતી રજૂઆતો કરવા વિવિધ વ્યક્તિઓ અને કંપનીઓ અમારી પાસે આવે છે. બારકોડ સ્કૅન કરીને ઑનલાઇન ડિજિટલ દર્શનની વિચારણા પણ ચાલી રહી છે. ધાર્મિક સ્થળોને ખુલ્લાં મૂકવાની જાહેરાત કરાયા પછી સુરક્ષાત્મક વ્યવસ્થાઓ કરતાં દસેક દિવસ લાગશે. અગાઉ દર્શન માટે ગર્ભગૃહમાં એક વખતે ચાલીસેક લોકો હાજર રહી શકતા હતા, પરંતુ હવે ૮થી ૧૦ જણ જ હાજર રહી શકશે અને તેમણે ઝડપથી બહાર નીકળવાની તૈયારી રાખવી પડશે.’
દાદરની રુસ્તમ ફરામના અગિયારીના પારસી ધર્મગુરુ એરવદ કૈઝાદ કરકરિયાએ જણાવ્યું કે ‘અમે લોકોને પગ વડે પૅડલ દબાવીને સૅનિટાઇઝર લેવા માટેનાં મશીન્સ અને ટેમ્પરેચર ચેક કરવાનાં થર્મોમીટર મશીન્સ મગાવ્યાં છે. અમારે મુખ્યત્વે ત્રણ નિયમો પાળવાના છે; એક, માસ્ક ન પહેર્યો હોય તો અગિયારીની અંદર પ્રવેશ નહીં મળે. બે, અંદર પ્રવેશ પૂર્વે હાથ સૅનિટાઇઝ કરવા અનિવાર્ય છે. ત્રણ, સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ માટે કોઈ પણ વખતે ૨૦ કરતાં વધારે લોકોને પ્રવેશ નહીં અપાય. જોકે રાજ્ય સરકાર તમામ ધાર્મિક સ્થળોને જાહેર જનતા માટે ખુલ્લાં મૂકવાનો સ્પષ્ટ આદેશ ન આપે તો અમે અમારી અગિયારી ખોલવાના નથી.’
હાજી અલી દરગાહના ટ્રસ્ટી સોહૈલ ખંડવાનીએ જણાવ્યું કે ‘અમારા તરફથી એક પ્રતિનિધિમંડળ રાજ્ય સરકારના અમલદારોને મળ્યું હતું અને સૅનિટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સિંગ તથા થર્મલ સ્ક્રીનિંગ સહિતનાં સુરક્ષાત્મક પગલાંની જોગવાઈ સાથે શુક્રવારની નમાઝ પઢવાની પરવાનગી માગી હતી. ૧૪ અઠવાડિયાંથી લોકો શુક્રવારની નમાઝ પઢી શક્યા નથી. રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી મળવાની રાહ જોઈએ છીએ. અમે ઑક્સિમીટર્સ, બ્લડપ્રેશર મશીન્સ, સૅનિટાઇઝેશન મશીન્સ વગેરે સાધન-સરંજામ તૈયાર રાખ્યાં છે.’
આર્ક ડાયોસિસ ઑફ મુંબઈના પ્રવક્તા ફાધર નાઇજેલ બૅરેટે રાજ્ય સરકાર તરફથી કોઈ સૂચના ન મળી હોવાથી ચર્ચ ખોલવા બાબતે ગૂંચવણમાં હોવાનું જણાવ્યું હતું. અન્ય ધાર્મિક સંસ્થાઓની માફક મુંબઈનાં ચર્ચમાં પણ રોગચાળા સામે રક્ષણની સંતોષકારક વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું ફાધર બૅરેટે જણાવ્યું હતું.

gaurav sarkar mumbai mumbai news