બીએમસી ઘૂંટણિયે : હજારો લોકોને રાહત, હવે બાંદરા સ્ટેશનની સામેથી જ મળશે બસ

13 May, 2022 08:15 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

બાંદરા -ઈસ્ટમાં નાળા પરની દીવાલ ઑક્ટોબરમાં બાંધવાની અગાઉ વાત કરનાર બીએમસીએ ‘મિડ-ડે’ના રિપોર્ટ પછી ગઈ કાલથી વૉલ બનાવવાનું શરૂ કર્યું : ચાર દિવસમાં કામ પૂરું કરશે : એ પછી સ્ટેશનની સામેથી જ બેસ્ટની બસસેવા શરૂ થશે

બાંદરા સ્ટેશનની સામે નાળા પાસેની દીવાલનું કામ શરૂ કરાયું હતું (તસવીર : નિમેશ દવે)

છેલ્લાં બે વર્ષ કરતાં પણ વધારે સમયથી બાંદરા (ઈસ્ટ)થી બીકેસી, કુર્લા કે પછી બાંદરા ગવર્નમેન્ટ કૉલોની જવા માટે સ્ટેશનની બહારથી નાળું પહોળું કરવાના નામે બસ-સર્વિસ બંધ કરીને કોર્ટની સામે આવેલા બાંદરા-ઈસ્ટ બસ-સ્ટેશનથી ચલાવવામાં આવતી હોવાથી હજારો મુંબઈગરાઓ અને એમાં પણ ખાસ કરીને હીરાના વેપારીઓએ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. નવાઈની વાત એ છે કે નાળાનું કામ ક્યારનું પતી ગયું હોવા છતાં પચાસેક મીટરમાં નાળાની દીવાલ બનાવવામાં નહોતી આવી અને એના માટે બેસ્ટ અને બીએમસી બન્ને એકબીજા પર માછલાં ધોતાં હતાં. એટલું જ નહીં, સુધરાઈએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે હવે ચોમાસું નજીક હોવાથી ઑક્ટોબરમાં જ બાકી રહેલું કામ પૂરું કરવામાં આવશે.

જોકે બુધવારના ‘મિડ-ડે’માં આ બાબતનો અહેવાલ છપાયા બાદ એની નોંધ લઈને સુધરાઈએ બાકી રહેલી દીવાલનું કામ ગઈ કાલથી શરૂ કરી દીધું છે અને આગામી ચારેક દિવસમાં એ પૂરું થઈ જશે અને ત્યાર બાદ સ્ટેશનની સામેથી પહેલાંની જેમ બસ-સર્વિસ પણ શરૂ થઈ જશે એવું આશ્વાસન બેસ્ટ તરફથી આપવામાં આવ્યું છે.

સ્ટેશનથી બસ શરૂ થતી ન હોવાથી લોકોએ બસ પકડવા માટે અંદાજે ચારસો મીટર ચાલીને જવું પડતું હોય છે. ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદને લીધે લોકોએ નાછૂટકે રિક્ષા કરવી પડતી હોય છે જેના શૅર-એ-રિક્ષાવાળાને ૨૫થી ૩૦ રૂપિયા અને પર્સનલ ઑટો કરીએ તો ૭૫ રૂપિયા એક વખતના આપવા પડે છે, જ્યારે સ્ટેશનથી બસ શરૂ થાય તો પાંચ જ રૂપિયામાં લોકો બીકેસી પહોંચી શકે એમ છે.  

આ સંદર્ભે સુધરાઈના સ્ટૉર્મવૉટર ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર જગદીશ બારાપત્રેનો સંપર્ક કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘બાંદરા સ્ટેશનની સામે આવેલા ચમડાવાડી નાળા પરની બાકી રહી ગયેલી રિટેઇનિંગ વૉલ ચણવાનું કામ અમે ચાલુ કરી દીધું છે. બેથી ચાર દિવસમાં એ કામ આટોપી લેવાશે.’

બેસ્ટના ધારાવી ડેપોના મૅનેજર માધવ ભાંગારેએ આ બાબતે કહ્યું હતું કે ‘નાળા પરની રિટેઇનિંગ વૉલનું કામ ઑલરેડી કામ ચાલુ કરી દેવાયું છે. અમે પણ અમારા ઉચ્ચ અધિકારીઓને આ બાબતે રજૂઆત કરી છે. જે જગ્યાએ બસ-સ્ટૉપ બેસાડવાના છે એ જગ્યાએ ઑલરેડી ફુટપાથ બનીને તૈયાર છે. એથી એકાદ અઠવાડિયામાં અમે ત્યાં બસ-સ્ટૉપ બેસાડીને ફરી એક વાર ત્યાંથી બસ-સર્વિસ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.’ 

mumbai mumbai news brihanmumbai municipal corporation bandra bakulesh trivedi