રિલાયન્સથી પરેશાન વસઈ-વિરારવાસીઓ

22 December, 2011 07:52 AM IST  | 

રિલાયન્સથી પરેશાન વસઈ-વિરારવાસીઓ

 

છેલ્લા ત્રણેક મહિનાથી વસઈ-વિરાર વિસ્તારમાં અઠવાડિયામાં એકાદ-બે દિવસ ચાર-પાંચ કલાક નેટવર્ક હોતું જ નથી. ફોન બંધ થઈ જવાને કારણે ધંધામાં ફોનનો વ્યાપક ઉપયોગ કરનારાઓનાં કામકાજ ઠપ થઈ જાય છે.

વિરારમાં એસ્ટેટ કન્સલ્ટન્ટનું કામ કરતા રોહિત ધોળકિયા તેમની મુસીબત જણાવતાં કહે છે કે ‘ઘણી વાર ધંધાના સમયે જ નેટવર્ક ન હોય. અમારાં મોટા ભાગનાં કામ ફોન પર થતાં હોય છે એટલે ઘણી વાર ક્લાયન્ટ ગુમાવવાનો વારો આવે છે. રિલાયન્સની શરૂઆત થઈ ત્યારથી મારી પાસે ફોન છે, પણ છેલ્લા છ-એક મહિનાથી હેરાન થઈ ગયા છીએ. ખરા ટાંકણે જ ફોન ઠપ થઈ જાય અને છતે ફોને પીસીઓનો સહારો લેવો પડે છે.’

આવી જ હાલત વિરાર-વેસ્ટમાં ઑફિસ ધરાવતા ગુજરાતી-હિન્દી ફિલ્મોના દિગ્દર્શક વિશાલ પુવાર કહે છે કે ‘મારે કામ હોય ત્યારે જ ટાઉન સાઇડ જતો હોઉં છું. બાકી બીજાં બધાં કામ ફોનથી પતાવું છું, પણ છેલ્લા કેટલાક સમયથી નેટવર્કના એટલા ધાંધિયા થઈ ગયા છે કે રિલાયન્સની સાથે બીજો ફોન પણ લેવાનું વિચારી રહ્યો છું.’

તો વસઈમાં પાર્વતી સિનેમા પાસે ટીવી-રિપેરિંગની દુકાન ધરાવતા જયેશ ત્રિવેદી કહે છે કે ‘નેટવર્ક ચાલતું ન હોય ત્યારે મારે ગ્રાહકોની ગાળો સાંભળવાની માનસિક તૈયારી રાખવી પડે છે એટલું જ નહીં, આને કારણે ધંધા પર પણ ઘણી અસર પડે છે.’

આ વિશે રિલાયન્સનાં નોડલ-અધિકારી હેમાંગી સાથે વાત કરતાં તેઓ સંતોષકારક જવાબ નહોતાં આપી શક્યાં. નેટવર્ક વિશે તેમણે માત્ર એટલું જ કહ્યું કે તમારી ફરિયાદ નોંધી લેવામાં આવી છે, પણ કારણ શું હતું એ ન જણાવ્યું. જ્યારે કોઈ પણ સર્વિસ માટે પૈસા કાપી લેવા બાબત તેમનો એક જ જવાબ હતો કે કંપની એસએમએસ દ્વારા સર્વિસની જાણ કરે છે અને એ ઑટોમૅટિક શરૂ થઈ જાય છે અને જો તમારે સર્વિસ ન જોઈતી હોય તો એ પૈસા પરત કરવામાં આવે છે.