આખરે મમ્મી દીકરાને શોધવા રસ્તા પર ઊતરી

26 December, 2014 03:07 AM IST  | 

આખરે મમ્મી દીકરાને શોધવા રસ્તા પર ઊતરી




પ્રીતિ ખુમાણ ઠાકુર

નાલાસોપારા (ઈસ્ટ)માં આચોલે રોડ પર આવેલા પદ્માવતી બિલ્ડિંગમાં ભાડા પર પોતાના એક દીકરા અને દીકરી સાથે રહેતી દરજી સમાજની રેખા ચુડાસમાનો નાનો દીકરો કેતન આ વર્ષે ૧૩ મેએ બૅગ લઈને ફ્રેન્ડના ઘરે જાઉં છું કહીને નીકળ્યો ત્યાર બાદ તેની કોઈ ભાળ જ નથી મળી રહી. રેખા ચુડાસમાએ છેલ્લા ૮ મહિનાથી પોલીસ-સ્ટેશન, નેતાઓ, મંદિર-મસ્જિદ જેવી કોઈ જગ્યા બાકી નથી રાખી જ્યાં દીકરાને શોધવા તે ગઈ ન હોય. બધી જગ્યાએથી ફક્ત નિરાશા હાથ લાગતાં છેલ્લા બે-ત્રણ દિવસથી તે પોતાના ગળામાં દીકરાનો ફોટો લગાવીને ‘મને મદદ કરો’ લખેલા ર્બોડ સાથે રસ્તા પર ઊતરી આવીને ઠેકઠેકાણે તેને શોધી રહી છે.

પોતાના દીકરા માટે જમીન-આસમાન એક કરીને તેને શોધી રહેલાં રેખાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે મારો દીકરો ગુમ થયો ત્યારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ મારા દીકરાને શોધતી જ નહોતી. હું પોલીસ-સ્ટેશને જાઉં તો દીકરાને શોધવા માટે તેઓ પૈસા માગતા હતા. જોકે ‘મિડ-ડે’માં એ વિશે અહેવાલ આવ્યા બાદ ઉચ્ચ અધિકારીએ મારો કેસ બીજા પોલીસને સોંપ્યો હતો. હાલમાં પણ પોલીસ મને એમ જ કહે છે કે ‘આગ લાગી ત્યાં છું, મર્ડરકેસમાં છું, રજા પર છું.’ મારા દીકરા માટે મેં કોઈ મંદિર-મસ્જિદ કે દેરાસર બાકી રાખ્યાં નથી. ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર બધે જ તેને શોધ્યો છે. કંટાળીને હું થોડા દિવસ પહેલાં પાલઘર મોટા સાહેબને મળવા ગઈ તો ત્યાં મને આખો દિવસ બેસાડી રાખી હતી.’

મારા દીકરાને કોઈકે ફસાવીને વેચી માર્યો છે એમ કહેતાં રેખાબહેને કહ્યું હતું કે ‘મારા દીકરાને અમારા પરિસરમાં રહેતા તેના ફ્રેન્ડના બંગલાદેશી ફ્રેન્ડે ફસાવીને વેચી માર્યો છે એની મને ખાતરી છે, કેમ કે જે દીકરો એક દિવસ પણ મા વિના રહ્યો ન હોય અને નાલાસોપારાની બહાર એક પણ દિવસ ગયો ન હોય તે આટલા મહિના સુધી કેમ રહી શકે? તેને અહીંથી ફસાવીને લઈ ગયા બાદ તે કોઈનો સંપર્ક કરી શકતો નથી.’

રેખા ચુડાસમાનો સંપર્ક કરો : ૯૫૬૧૩ ૧૯૧૨૪  અથવા ૯૬૯૯૯ ૯૪૧૯૧