રીડેવલપમેન્ટનો વાયરો

03 November, 2012 08:06 AM IST  | 

રીડેવલપમેન્ટનો વાયરો



ઘાટકોપર, મુલુંડ, બોરીવલી, કાંદિવલી, મલાડ જેવાં પરાંઓનાં સંખ્યાબંધ જૂનાં મકાનોના રહેવાસીઓમાં ઉપર મુજબની ચર્ચા અત્યારે નિયમિત ધોરણે ચાલતી રહે છે. અનેક મકાનો રીડેવલપમેન્ટમાં રસ ધરાવે છે અને અનેક બિલ્ડરોને રીડેવલપમેન્ટમાં રસ છે. મુંબઈમાં જમીનોની તીવ્ર અછત છે ત્યારે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટો એક જબરદસ્ત મોટા બિઝનેસ તરીકે વિકસી રહ્યા છે.

રીડેવલપમેન્ટની પ્રવૃત્તિમાં વ્યસ્ત જાણકાર સાધનોના કહેવા અનુસાર સરકાર વધુ જમીન ફાળવી શકવાની સ્થિતિમાં નથી કે પછી વાસ્તવમાં હવે જમીનોની જ અછત છે ત્યારે એક વિકલ્પ જૂનાં મકાનો તોડીને નવાં મકાનો બનાવવાનો છે, જ્યારે બીજો વિકલ્પ દૂરના વિસ્તારોમાં જવાનો હોય છે. આને પગલે અત્યારે છેલ્લા એક દાયકાથી બોરીવલી બહારના દહિસરથી વિરાર સુધીના વિસ્તારો સતત ડેવલપ થઈ રહ્યા છે, પરંતુ બોરીવલી સુધીનાં પરાંઓ માટેનું આકર્ષણ ખૂબ ઊંચું હોવાથી અને અહીં જબ્બર ઊંચા ભાવો ઊપજી રહ્યા હોવાથી રીડેવલપમેન્ટ માટે અવકાશ વધી ગયો છે. ખાસ કરીને રીડેવલપમેન્ટ માટેનાં મકાનો મોકાની જગ્યાએ મળી જતાં બિલ્ડરોને લૉટરી લાગી જાય છે તેમ જ એના રહેવાસીઓને પણ ચાંદી થઈ જાય છે. એટલે જ અત્યારે અનેક જૂનાં મકાનોના રહેવાસીઓ પોતાના મકાન પર આજે નહીં તો કાલે સારા બિલ્ડરની નજર પડશે એવી આશામાં રહે છે, જ્યારે અમુક મકાનોના રહેવાસીઓ તો સામે ચાલીને બિલ્ડરોનો સંપર્ક કરીને વાટાઘાટ શરૂ કરી દે છે. જાણકારોની માહિતી મુજબ મોટા એસ્ટેટ એજન્ટો અને કન્સલ્ટન્ટ્સ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટોમાં પણ ભારે રસ લેવા લાગ્યા છે.

નવાં બની રહેલાં મકાનોમાં ઊંચા ભાવોને જોઈ જૂનાં મકાનોના રહેવાસીઓ માટે રીડેવલપમેન્ટનો માર્ગ લાભદાયક દેખાય છે. આવાં મકાનો મોટા ભાગે સ્ટેશનથી નજીક અથવા મોકાના વિસ્તારોમાં હોવાથી એના ભાવો પણ સારા ઊપજે છે અને ત્યાં રીડેવલપમેન્ટ થનાર પ્રોજેક્ટને પ્રતિસાદ પણ સારો મળવાની આશા રહે છે. પશ્ચિમનાં પરાંઓમાં અત્યારે તો રીડેવલપમેન્ટની બોલબાલા છે અને એ હજી વધશે એવા સંકેતો મળી રહ્યા છે.

કાનૂની નિષ્ણાતોના મતે રહેવાસીઓએ આવા પ્રોજેક્ટોમાં કરાર કરતાં પહેલાં રીડેવલપમેન્ટની શરતોને બરાબર સમજી લેવી જોઈએ અને પોતાના કાનૂની હકોને પણ જાણી લેવા જોઈએ તથા રહેવાસી ત્યાંથી નાણાં લઈ છૂટા થવાને બદલે એ જ નવા મકાનમાં રહેવા માગતા હોય તો બિલ્ડર સાથે સમયમર્યાદાથી લઈને અન્ય બાબતોની ચોખવટ કાનૂની ઢબે કરી લેવી જોઈએ. આ માટે બિલ્ડરની પસંદગી તેની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને આધારે થવી જોઈએ. માત્ર મોટી રકમની અપેક્ષાએ મકાન ખાલી કરી આપનારા પછીથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

બિલ્ડર્સ-ડેવલપર્સ માટે રીડેવલપમેન્ટ એ સોનાની ખાણ સમાન હોય છે, જ્યાં તેમને જમીન-મોકાની જગ્યા સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. હવે તેમણે રહેવાસીઓ સાથે વિશ્વાસનું પાલન કરવાનું રહે છે. આમાં બિલ્ડર્સ-ડેવલપર્સને પણ અત્યંત મોટી કમાણી થવાની આશા હોય છે. પરસ્પર વિશ્વાસ રીડેવલપમેન્ટનો સૌથી મહkવનો અને મજબૂત પાયો ગણાય છે.