રીડેવલપમેન્ટના ફેરફારનો ફાયદો રહેવાસીઓ પહેલ કરશે તો જ થશે

04 December, 2022 08:49 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ અને રાજ્યની જર્જરિત ઇમારતોના વર્ષોથી રઝળી પડેલા રીડેવલપમેન્ટ માટે મ્હાડાના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે એ વિશે નિષ્ણાતો આવું કહે છે

રીડેવલપમેન્ટના ફેરફારનો ફાયદો રહેવાસીઓ પહેલ કરશે તો જ થશે

મુંબઈ ઃ મહારાષ્ટ્ર સરકારની હાઉસિંગ ઑથોરિટીએ મુંબઈ સહિત રાજ્યભરની સેસ અને જોખમી ઇમારતોના રીડેવલપમેન્ટ માટે મ્હાડાની કલમ ૨૦૨૦માં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી મ્હાડા હવે મ્હાડાની જૂની અને જર્જરીત ઇમારતોના લૅન્ડલૉર્ડ, ભાડૂતો અને સોસાયટીની મંજૂરી મેળવ્યા વિના બિલ્ડિંગો પોતાને હસ્તક લઈને રીડેવલપમેન્ટ કરશે. મુંબઈમાં અત્યારે મ્હાડાની આવી અસંખ્ય ઇમારતો આવેલી છે. કાયદામાં ફેરફાર કરવાથી મ્હાડાની જોખમી ઇમારતોનાં રઝળી પડેલાં રીડેવલપમેન્ટનાં કામ પાટે ચડશે. આ ક્ષેત્રના નિષ્ણાતોના મતે સરકાર બહુ જ સારો કાયદો લાવી છે, પણ જોખમી ઇમારતોના રહેવાસીઓ અસોસિએશન બનાવીને પોતાનું ઘર મેળવવા માટેના પ્રયાસ કરશે તો આનું ખૂબ જ સારું રિઝલ્ટ મળશે.
મુંબઈમાં અને એમાં પણ ખાસ કરીને તળ મુંબઈમાં મોટી સંખ્યામાં જૂની અને જોખમી ઇમારતો આવેલી છે, જેમાં હજારો પરિવારો જીવના જોખમે રહે છે. ઘણી ઇમારતો તો તૂટી ગઈ છે, પણ જમીનમાલિક અને ભાડૂતો વચ્ચે સમજૂતી ન થઈ શકવાથી કોર્ટમાં સામસામે કેસ ચાલી રહ્યા છે. જેમનાં મકાન તૂટી ગયાં છે એમાંના મોટા ભાગના લોકો રીડેવલપમેન્ટની લાંબી રાહ જોઈને મુંબઈની આસપાસ રહેવા જતા રહ્યા છે. આવા લોકોએ રીડેવલપમેન્ટ સંબંધી વિશેષ કાયદો લાવવાની રજૂઆત સરકારમાં કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે મ્હાડાના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો, જેના પર હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સહી કરી દીધી છે.
ઍડ્વોકેટ ભરત જોશીએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારનો આ બહુ જ સારો નિર્ણય છે. મ્હાડાની જમીન પર બાંધવામાં આવેલી અસંખ્ય ઇમારતો જૂની થઈ છે અને એમાંની અનેકને બીએમસીએ સી૧ કૅટેગરીમાં મૂકી છે. ઘણી ઇમારતો તો તૂટી ગઈ છે, પણ લૅન્ડલૉર્ડ અને ભાડૂતો વચ્ચેની સર્વ સમજૂતીના અભાવે રીડેવલપમેન્ટનાં કામ રઝળી પડ્યાં છે. તળ મુંબઈમાં આવી અનેક ઇમારતો આવેલી છે જેમના રહેવાસીઓ વર્ષોથી રીડેવલપમેન્ટ માટે રાહ જોઈ રહ્યા છે. આમાંના અનેક પરિવારો તો મુંબઈની આસપાસ સેટલ થઈ ગયા છે. ઘણા લોકો તો દસથી પંદર વર્ષ કરતાં વધારે સમયથી પોતાનું મકાન બને એની રાહ જોયા બાદ તેમણે આશા છોડી દીધી છે. સરકારે હવે કાયદો બનાવ્યો છે એટલે એનો લાભ ત્યારે જ મળશે જ્યારે ભાડૂતો કે રહેવાસીઓ અસોસિએશન બનાવીને પોતાની માલિકીનું ઘર મેળવવા માટેના પ્રયાસ કરશે. મને લાગે છે કે સરકાર, લૅન્ડલૉર્ડ અને ભાડૂતોના સામૂહિક પ્રયાસથી જોખમી ઇમારતોની સમસ્યાનો ઉકેલ આવી શકશે.’
હાઉસિંગ એક્સપર્ટ ઍડ્વોકેટ વિનોદ સંપટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેસવાળી ઇમારતોનું રીડેવલપમેન્ટ કરવા માટેનો રસ્તો સાફ થવો એ બધા માટે સારી વાત છે. આ કાયદાથી આવી ઇમારતોમાં રહેતા લોકોને તો ફાયદો થશે જ, સાથે સરકારના આ નિર્ણયથી ઇન્વેટ્રીમાં વધારો થશે. આથી મકાનોની સપ્લાયમાં વધશે એટલે પ્રૉપર્ટીની કિંમતોમાં પણ ઘટાડો થશે. સરકારને રીડેવલપમેન્ટ માટે મનાવનારા બિલ્ડરોને આમાં સૌથી વધુ ફાયદો થશે. બિલ્ડરો ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં મોટું કામ કરી શકશે. બીજું, અનેક વર્ષોથી રીડેવલપમેન્ટ માટે પરેશાન સામાન્ય નાગરિકોને સરકારના આ નિર્ણયથી રાહત મળશે.’

mumbai news