આઠ મહિને ઉકેલાયો અંબરનાથમાંથી મળેલી ખોપડીનો કેસ

14 December, 2018 05:04 PM IST  |  | Anamika Gharat

આઠ મહિને ઉકેલાયો અંબરનાથમાંથી મળેલી ખોપડીનો કેસ

બ્રિજેશ પ્રજાપતિ

એક વ્યક્તિનું ધડ અને અત્યંત ખરાબ રીતે નાશ કરવામાં આવેલી ખોપડી મળ્યાના આઠ મહિના પછી અંબરનાથ પોલીસ આ કેસને ઉકેલવામાં સફળ થઈ હતી. અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ફૉરેન્સિક ટીમના ડૉક્ટરોએ સુપરકમ્પોઝિશનની મદદથી આ વ્યક્તિનો ચહેરો બનાવવામાં સફળતા મેળવી હતી અને એના આધારે આ વ્યક્તિની ઓળખ મળી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તેની જ પત્ની અને તેનો મિત્ર, જે પછી તેની પત્નીનો પ્રેમી બની ગયો હતો, એ મળીને આ યુવાનની હત્યા કરી હતી.

૧૦ એપ્રિલે અંબરનાથ પોલીસને ઇલેક્ટ્રિક બોર્ડ પાસે એક ખોપડી મળી હતી અને પછી તપાસ કરતાં થોડે દૂર માથા વગરનું ધડ મળ્યું હતું. તેના શરીર પર ચાંદ લખેલું એક ટૅટૂ જોવા મળ્યું હતું, પરંતુ એના પરથી તેની ઓળખ કરી શકાઈ નહોતી. બધાં જ પોલીસ-સ્ટેશનોમાં મિસિંગની ફરિયાદની તપાસ કરવામાં આવી એમાં પણ આ વ્યક્તિનો ઉલ્લેખ જોવા મળ્યો નહોતો.

                                                        વિશ્વાસુ બન્યા ઘાતકી : ડૉક્ટરોએ તૈયાર કરેલું ૩D મૉડલ


આને પગલે અંબરનાથ પોલીસે પરેલની KEM હૉસ્પિટલમાં ફૉરેન્સિક મેડિસિન અને ટેક્નૉલૉજીના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ. હરીશ પાઠકની સાથે આ કેસની ચર્ચા કરી હતી અને તેમણે ચાર મહિના મહેનત કરીને સુપરઇમ્પોઝિશન ટેક્નૉલૉજીની મદદથી ચહેરાનું એક ૩D મૉડલ તૈયાર કર્યું હતું.

આ ચહેરાનો ફોટો પાડીને બધાં જ પોલીસ-સ્ટેશનો અને વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યા હતા અને એમાંથી ખબર પડી હતી કે આ વ્યક્તિ સાયન કોલીવાડા વિસ્તારમાં રહેનારો બ્રિજેશ પ્રજાપતિ છે જે ઘણા સમયથી ગુમ છે.

પોલીસની ટીમ જ્યારે તેના ઘરે ગઈ ત્યારે ખબર પડી હતી કે તેની પત્ની સાવિત્રીએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી નહોતી. તેના જવાબ શંકાસ્પદ જણાતાં પોલીસે તેના કૉલ-રેકૉર્ડ્સ ચેક કર્યા હતા અને તપાસમાં બહાર આવ્યું હતું કે તે કિશનકુમાર કનોજિયા અને રાજેશ યાદવના સંપર્કમાં હતી. કિશનકુમાર બ્રિજેશ પ્રજાપતિનો મિત્ર હતો, પરંતુ તેના અને સાવિત્રીના સંબંધો હતા અને આ સંબંધો વિશે બ્રિજેશને જાણ થઈ જતાં રાજેશ યાદવની સાથે મળીને કિશનકુમારે હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

પહેલાં પણ બે વખત બન્ને બ્રિજેશને અંબરનાથમાં પાર્ટી કરવા લઈ ગયા હતા અને તેનો વિશ્વાસ હાંસલ કર્યો હતો. ત્યાર બાદ ફરી એપ્રિલમાં ત્રીજી વખત તેને પાર્ટી કરવા લઈ ગયા ત્યારે તે નશામાં હતો ત્યારે તેનું માથું ધડથી અલગ કરીને છૂંદીને ફેંકી દીધું હતું અને ધડ અલગ ફેંકી દીધું હતું. પોલીસે ત્રણેય આરોપીની અરેસ્ટ કરી છે.

ambernath mumbai police Crime News