૨૭૧ કરોડની સામે૧.૬૨ કરોડની વસૂલી

13 August, 2020 07:37 AM IST  |  Mumbai Desk | Preeti Khuman Thakur

૨૭૧ કરોડની સામે૧.૬૨ કરોડની વસૂલી

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીના કારણે મુંબઈ મહાનગરપાલિકાની જેમ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનો પણ સ્ટાફ એની વ્યવસ્થામાં ખૂબ વ્યસ્ત હતો. જોકે આ મહામારીની આડઅસર મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની તિજોરી પર પડે એવી શક્યતા છે. મહાનગરપાલિકા ચાલુ વાર્ષિક વર્ષમાં પ્રૉપર્ટી ટૅક્સથી ૨૭૧ કરોડ રૂપિયાની આવક અનુમાનિત હતી, પરંતુ કોરોનાને કારણે લૉકડાઉન જાહેર થતાં પ્રૉપર્ટી ટૅક્સનાં બિલનું વિતરણ થઈ શક્યું નહોતું. એથી પ્રશાસન દ્વારા પ્રૉપર્ટીહોલ્ડરોને ઑનલાઇન બિલ ભરવાની જાણ કરાઈ હતી, પરંતુ ઑનલાઇન પેમેન્ટ માટે પ્રતિસાદ સારો ન મળતાં હાલ સુધીમાં ફક્ત ૧.૬૨ કરોડ રૂપિયાનો જ ટૅક્સ ઑનલાઇન વસૂલ થયો છે. પ્રશાસન પર આર્થિક સંકટની લટકતી તલવાર જોવા મળી રહી છે, જેની અસર શહેરના વિકાસનાં કામો પર પડે એવી પણ શક્યતા છે. ગયા વર્ષે મહાનગરપાલિકાએ ૨૧૬ કરોડ રૂપિયા આવકની અપેક્ષા રાખી હતી, જેની સામે પ્રશાસન ટૅક્સરૂપે ૧૩૫ કરોડ રૂપિયા જ વસૂલી શક્યું હતું.
પ્રૉપર્ટી ટૅક્સ વિભાગના કર્મચારીઓ કોરોના મહામારીના નિયંત્રણના કામમાં વ્યસ્ત હોવાથી બિલ આપી શક્યાં ન હોવાથી એના પરિણામે પ્રશાસનની તિજોરી પર ભાર વધ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી ટૅક્સ વિભાગ બંધ હોવાથી કામકાજ પણ ઠપ્પ પડ્યું હતું. જોકે લૉકડાઉનના કારણે કારખાનાં, દુકાનો બંધ રહી હોવાથી આવક પર ભારે અસર થતાં ટૅક્સ વસૂલવામાં પ્રશાસનને નાકે દમ આવશે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે.

બિલ વિતરણ શરૂ કરીને વિવિધ માર્ગે ટૅક્સ વસૂલવામાં આવશે
આ વિશે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ટૅક્સ વિભાગના મુખ્ય ટૅક્સ ઑફિસર સંજય દોન્દેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આખા મીરા-ભાઈંદરમાં સાડાત્રણ લાખ લોકો પ્રૉપર્ટીહોલ્ડર છે અને એમાંથી હાલમાં દોઢ હજાર લોકોએ જ ટૅક્સ ભર્યો છે. અમારો ૨૭૧ કરોડ રૂપિયા ટૅક્સ વસૂલીનું લક્ષ્ય છે. બે-ત્રણ દિવસની અંદર અમે સ્ટાફને ડોર ટુ ડોર મોકલીને બિલ વિતરણ કરાવીશું. ભાઈંદરના મુખ્ય કાર્યાલયમાં બહારની બાજુએ જ કલેક્શન માટે સ્ટાફ બેસાડ્યો છે, જેને ઑનલાઇન ન આવડતું હોય તેઓ અહીં આવી શકે છે, પરંતુ લોકો કોરોનાને કારણે બહાર આવતા ડરતા હોવાથી અમે એક યોજના તૈયાર કરી છે.’

preeti khuman-thakur mumbai mumbai news